અમૃતસરમાં ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશનની બહાર મંગળવારે સવારે 3.15 વાગ્યે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ પોલીસકર્મીઓ અને આસપાસના ઘરોના લોકો તરત જ બહાર આવી ગયા હતા. બ્લાસ્ટ બાદ તરત જ પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી દીધા હતા અને સતર્ક થઈ ગયા હતા. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

શું કહે છે સ્થાનિકો ? 
સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટ લગભગ 3 વાગે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની અંદરની દિવાલ પર લટકાવેલી તસવીર પણ પડી ગઈ હતી. આ અંગે પોલીસ કમિશ્નર ગુરપ્રિત સિંહ ભુલ્લરે કહ્યું કે સવારનો સમય હતો. પોલીસ સ્ટેશનની બહાર બ્લાસ્ટ થયો હોવાની અવાજ પોલીસ કર્મીઓને સાંભળ્યો હતો. આ પછી પોલીસકર્મીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારનું નુકશાન થયું ન હતું. જો કે ઘટનાને પગલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે પોલીસ સ્ટેશનની બહાર વિસ્ફોટ થયો હતો. જે બદલ એક આખી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી પણ બે-ત્રણ સહયોગીઓની ધરપકડ કરવાની બાકી છે. તે પોલીસના રડાર પર પણ છે. ટૂંક સમયમાં તેઓ પણ ઝડપાઈ જશે અને આ સમગ્ર ગેંગનો પર્દાફાશ થશે.

પોલીસ સ્ટેશનને બનાવ્યુ ટાર્ગેટ !
ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે મજીઠા પોલીસ સ્ટેશનમાં ગ્રેનેડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ પહેલા ગુરબક્ષ નગરમાં પણ બંધ ચોકીમાં સવારે આવો જ બ્લાસ્ટ થયો હતો. 23-24 નવેમ્બરની રાત્રે અજનાળા પોલીસ સ્ટેશનની બહાર આઈઇડી લગાવીને બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. આ ઘટનાઓને વિદેશી આતંકવાદી હેપ્પી પાસિયાને લીધી હતી. હેપ્પી પાસિયાને એવી પણ ધમકી આપી છે કે બ્લાસ્ટ પોલીસ સ્ટેશનમાં તો થતા જ રહેશે. જો કે હાલમાં આજે થયેલા બ્લાસ્ટને લઇને પોલીસ અધિકારીઓ તપાસમાં વ્યસ્ત બન્યા છે. 

પંજાબ પોલીસ એલર્ટ

મહત્વનુ છે કે ગઈકાલે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) એ પંજાબ પોલીસ સાથે એક રિપોર્ટ શેર કર્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પંજાબને આતંકિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આમાં પહેલું નિશાન પંજાબના પોલીસ સ્ટેશન હશે કારણ કે આ પહેલા પણ પંજાબના લગભગ પાંચ પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ અને આઈઈડી હુમલા થઈ ચૂક્યા છે. આવી આશંકા બાદ NIA પંજાબ પર નજર રાખી રહી હતી. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ 1984માં ઉપયોગમાં લેવાતા ડેડ ડ્રોપ મોડલની તર્જ પર હુમલા કરી રહ્યા છે, ત્યારબાદ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.

  • Follow us on: