શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો છે. સુવર્ણ મંદિરની બહાર તેમના પર ગોળીબાર થઈ રહ્યો છે. જો કે સદનસીબે હાજર લોકોની સુજબુઝને કારણે ફાયરિંગમાં સુખબીરસિંહ બાદલને કોઇ ઇજા પહોંચી નથી. હાથમાં પિસ્તોલ લઇને ફાયરિંગ કરવા આવેલા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
હુમલાખોરને પકડી લીધો
હુમલાખોરે ફાયરિંગ કરતાની સાથે જ ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીને પકડી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. આરોપીનું નામ નારાયણ સિંહ જણાવવામાં આવી રહ્યું છે. તે પક્ષ ખાલસા સાથે સંકળાયેલો છે.
સુખબીરસિંહ બાદલ સુવર્ણ મંદિરમાં કેમ ?
તમને જણાવી દઈએ કે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ મંગળવારથી અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારાની બહાર ચોકી કરીને સજા ભોગવી રહ્યા છે. તેઓ મંગળવારે બપોરે વ્હીલચેર પર ગુરુદ્વારા પહોંચ્યા હતા. તેના ગળામાં દોષિત હોવાની તકતી પણ લટકતી જોવા મળે છે.
મહત્વનું છે કે સુખબીરસિંહ બાદલે સજાના પહેલા દિવસે સુવર્ણ મંદિરના સામુદાયિક રસોડામાં વાસણો પણ સાફ કર્યા. આ દરમિયાન તેણે સેવાકર્મીઓનો પોશાક પહેર્યો હતો. પહેરેદારી ભરવા હાથમાં ભાલો રાખતા પણ જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે સુખબીર સિંહ બાદલના પગમાં ફ્રેક્ચર છે, તેથી પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હોવાથી તેઓ વ્હીલચેર જ બેઠેલા જોવા મળે છે.
સુખબીર બાદલને શું સજા મળી?
શીખ સમુદાયની 'સુપ્રિમ કોર્ટે' એટલે કે શ્રી અકાલ તખ્ત સાહિબએ સુખબીર બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. તે ગુરુદ્વારામાં સેવા કરશે. વાસણો ધોશે અને ચોકીદારી પણ રાખશે. શ્રી દરબાર સાહિબમાં બનેલા જાહેર શૌચાલયની પણ સફાઈ કરશે. 2007 થી 2017 દરમિયાન અકાલી દળની સરકાર દરમિયાન ધાર્મિક ભૂલો માટે જથેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓને સજા ફટકારી છે. અકાલી નેતાઓ સેવા આપીને સજાની ભરપાઈ કરી રહ્યા છે.
શું છે આરોપ?
સુખબીર બાદલ અને તેમના કેબિનેટ વિરુદ્ધ અકાલ તખ્તએ દોષ પુરવાર કર્યો છે. આરોપ છે કે બાદલે ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને ઈશનિંદા કેસમાં માફી અપાવવામાં મદદ કરી છે. આ માટે બાદલે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રામ રહીમ સામેની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સંગતના પૈસાથી રાજકીય જાહેરાતો કરવામાં આવી હતી. ડીજીપી સુમેધ સૈનીની નિમણૂકને ધાર્મિક અપરાધ ગણાવ્યો છે.