પંજાબના લુધિયાણામાં શનિવારે મોડી રાત્રે આવેલા વાવાઝોડાને કારણે જાગરણ માટે બનાવેલો પંડાલ ધરાશાયી થયો હતો. તેમાં કચડાઈને બે મહિલાઓના મોત થયા હતા, જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગના બાળકો હોવાનું કહેવાય છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માત બાદ પોલીસે જાગરણમાં ગાતી મહિલા ગાયિકા અને જાગરણ પાર્ટીના સભ્યોની અટકાયત કરી
અકસ્માત બાદ પોલીસે જાગરણમાં ગાતી મહિલા ગાયિકા અને જાગરણ પાર્ટીના સભ્યોની અટકાયત કરી છે. સાથે જ જાગરણનો તમામ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. મૃતક મહિલાઓમાં લુધિયાણાના ઋષિ નગરની રહેવાસી રજની અને દ્વારકા એન્ક્લેવની રહેવાસી સુનીતાનો સમાવેશ થાય છે. ગોવિંદ ગોધામ મંદિર પાસે માતાનું જાગરણ ચાલુ હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા, બાળકો હાજર હતા. મોડી રાત્રે માતાના જાગરણ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી.
વાવાઝોડું આવતાની સાથે જ બધા વિખેરાઈ ગયા
શ્રી ગોવિંદ ગોધામ મંદિર પાસે અકસ્માત લુધિયાણાના હંબડા રોડ પાસે થયો હતો. અહીં દ્વારકા એન્કલેવમાં રહેતા લોકો દ્વારા મંદિરની પાછળના ખાલી મેદાનમાં દેવી જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયિકા પલ્લવી રાવતને ગીતો ગાવા માટે બોલાવવામાં આવી હતી. શનિવારની રાત્રે અહીં દરેક લોકો નાચતા-ગાતા હતા. ગાયિકા પલ્લવી રાવત માતાના ગીતો ગાતી હતી. દરમિયાન રાત્રે 2 વાગ્યાની આસપાસ વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડું આવતાની સાથે જ બધા વિખેરાઈ ગયા.
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે તોફાન પછી જ્યારે લોકો ઉભા થયા અને જવા લાગ્યા તો ગાયક અને જાગરણ પાર્ટીએ તેમને બેસવા કહ્યું. કહ્યું કંઈ નહીં થાય. બેઠા રહો. તેમની વાત સાંભળીને બધાં બાળકો અને સ્ત્રીઓ પાછાં બેસી ગયા.
માતાકી ચોકીના આયોજનમાં થઇ દુર્ઘટના
થોડા સમય બાદ પવન વધુ વધતા જાગરણમા લગાવવામાં આવેલ પંડાલ ધરાશાયી થયો હતો. આ દરમિયાન સામે બેઠેલા લોકો તેની નીચે દટાઈ ગયા. માળખું લોખંડનું હતું જેથી લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જોરદાર પવનના કારણે માળખું ધરાશાયી થતાં ચારેબાજુ ચીસો પડી હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. નાસભાગને કારણે સ્થિતિ વધારે વણસી હતી.









