-
આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ સમારોહ
-
પુષ્કર સિંહ ધામીના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે
-
બપોરે 2.30 વાગ્યે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ
બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કર સિંહ ધામીની (Pushkar Singh Dhami) તાજપોશી કરવામાં આવશે. શપથ લેતા પહેલા પુષ્કર સિંહ ધામીએ વચન આપ્યું છે કે સીએમ પદ સંભાળ્યા બાદ તેઓ યુનિફોર્મ સિવિલ કોડ સહિત ભાજપે ચૂંટણી પહેલા કરેલા તમામ વચનો પૂરા કરશે.
પુષ્કર ધામીએ વચન આપ્યું છે કે તેઓ પારદર્શક સરકાર ચલાવશે. અને ચૂંટણી પહેલા ભાજપ દ્વારા જે પણ વચનો આપવામાં આવ્યા હતા તે પૂરા કરવામાં આવશે. સમાન સિવિલ કોડ (uniform civil code) પણ આમાંથી એક છે.
ચૂંટણી પહેલા ધામીએ તેમની રેલીઓમાં સમાન નાગરિક સંહિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ કાયદો તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરશે, જેમાં કાનૂની નિષ્ણાતો, વરિષ્ઠ નાગરિકો અને બૌદ્ધિકોનો સમાવેશ થશે.
યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ છે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હશે, પછી ભલે તે ગમે તે ધર્મના કે જાતિના હોય. યુનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.
આજે PM નરેન્દ્ર મોદી પણ પુષ્કર સિંહ ધામીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે ભાજપ શાસિત રાજ્યોના ઘણા સીએમ પણ તેમાં ભાગ લેશે. પુષ્કર સિંહ ધામી બપોરે 2.30 વાગ્યે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.