- રાહુલ ગાંધીની વાંધાજનક ટિપ્પણી પર અમિત શાહનો સણસણતો જવાબ
- તેઓએ જણાવવું જોઈએ કે તેઓએ આ વસૂલાત ક્યાંથી કરી: અમિત શાહ
- શું રાહુલ ગાંધી દેશની જનતાને કહી શકે છે કે આ કોના પૈસા છે?: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધીની ટિપ્પણીનો સણસણતો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીની પાર્ટીને પણ 1600 કરોડ રૂપિયા મળ્યા છે. તેઓએ જણાવવું જોઈએ કે તેઓએ આ વસૂલાત ક્યાંથી કરી.
ચૂંટણી બોન્ડની બંધારણીયતા પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તમામ રાજકીય પક્ષો પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત માહિતી એકત્રિત કરવા કહ્યું હતું. ત્યાર બાદ કેટલાક રાજકીય પક્ષોએ તેમને કેટલા રૂપિયાના બોન્ડ આપ્યા અને ક્યારે રોકડ કરવામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી આપી છે, જ્યારે ઘણા પક્ષોએ માત્ર એટલું જ જણાવ્યું છે કે, તેમને કયા બોન્ડમાંથી કેટલા રૂપિયા મળ્યા છે. જે મામલે ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.
ગેરકાયદે નાણા સામે સખત કાર્યવાહી કરવામાં આવી: અમિત શાહ
ચૂંટણી બોન્ડમાંથી સૌથી વધુ ફંડ લેનારા પક્ષો અનુક્રમે BJP, TMC, કોંગ્રેસ, BRS વગેરે છે. ગૃહમંત્રીએ કહ્યું કે, અમને ઘણું ફંડ મળ્યું છે તેવો અમારા પરનો આરોપ જૂઠો છે. જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં INDIA ગઠબંધનને 6,200 કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. અમારી પાસે 17 રાજ્યોમાં સરકાર છે. પરંતુ શું કોઈ કહી શકે કે વિપક્ષી ગઠબંધનને કેટલી બેઠકો છે? આ સાથે અમિત શાહે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગેરકાયદે નાણા સામે સખત કાર્યવાહી કરવામાં આવી. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી તમામ મિલકતોમાંથી માત્ર 5 ટકા રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકોની છે, બાકીની સંપત્તિ કાળુંનાણું ધરાવતા લોકોની છે.
રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે: શાહ
શાહે કહ્યું, જે મિલકતો જપ્ત કરવામાં આવી છે તે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકોની છે અને તેમની પાસે કાળું નાણું પણ છે. પરંતુ તેઓ ઈચ્છે છે કે તેમની સામે કોઈ કાર્યવાહી ન થાય. તે સ્પષ્ટ છે કે જે કોઈ ભ્રષ્ટાચારમાં સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને તે જેલમાં જશે. ગૃહમંત્રીએ કહ્યું, "મમતાના મંત્રીના ઘરેથી 51 કરોડ રૂપિયા મળ્યા છે, કોંગ્રેસ સાંસદના ઘરેથી 355 કરોડ રૂપિયા મળ્યા છે અને તેઓ કહે છે કે કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. શું રાહુલ ગાંધી દેશની જનતાને કહી શકે છે કે આ કોના પૈસા છે? તેઓએ આનો જવાબ આપવો જોઈએ.