કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારનું કારણ શોધવામાં વ્યસ્ત છે. આજે એટલે કે ગુરુવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન રાહુલે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કુમારી સેલજાનું નામ લીધા વિના મોટી વાત કહી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, નેતાઓ પાર્ટીના બદલે પોતાનું હિત જુએ છે.


નેતાઓએ પક્ષને બદલે પોતાનું હિત જોયુ

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હરિયાણામાં નેતાઓનો ઈન્ટરેસ્ટ ઊંચો રહ્યો, પાર્ટીનો હિત નીચે ગયો. રાહુલ ગાંધીએ કોઈપણ નેતાનું નામ લીધા વગર આ વાત કહી. આ બેઠક અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું કે, પરિણામો બાદ અમે સમીક્ષા બેઠક યોજી હતી. તમામ એક્ઝિટ પોલ અમને જીત બતાવી રહ્યા હતા, અમને જીતનો વિશ્વાસ હતો. અમે હારની સમીક્ષા કરી, ઈવીએમ અને નેતાઓ વચ્ચેના મતભેદો પર પણ ચર્ચા થઈ. આગળ શું કરવું છે તે ટૂંક સમયમાં જણાવીશું.

બેઠકમાં કોણ કોણ હાજર હતું?

ખડગેના ઘરે યોજાયેલી બેઠકમાં રાહુલ, કેસી વેણુગોપાલ, અજય માકન, અશોક ગેહલોત હાજર હતા. ભૂપેન્દ્ર હુડ્ડા અને ઉદયભાનના નામ લિસ્ટમાં હતા, પરંતુ તે બન્ને આવ્યા ન હતા. તે સ્પષ્ટ નથી કે તેને અટકાવવામાં આવ્યા હતા કે તેઓ પોતે જ આવ્યા. કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલાને બોલાવવામાં આવ્યા ન હતા.

કોંગ્રેસ કમિટી બનાવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હારના કારણો જાણવા માટે એક કમિટી બનાવશે. ચૂંટણીમાં તેમની હાર કેમ અને કેવી રીતે થઈ તેના અંગે સમિતિ તપાસ કરશે. સમિતિમાં કોણ કોણ હશે તેની માહિતી બહાર આવી નથી.

હાર માટે EVMને જવાબદાર ઠેરવી રહી છે કોંગ્રેસ

કોંગ્રેસ હાર માટે EVMને જવાબદાર ઠેરવી રહી છે. પાર્ટીના નેતા ઉદયભાને કહ્યું છે કે, EVM હેક થયા છે. સમગ્ર રાજ્યમાં શંકા સેવાઈ રહી છે. મશીનોને સીલ કરવવામાં આવશે. દૂધનું દૂધ પાણીનું પાણી હોવું જોઈએ. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, હરિયાણાનું પરિણામ આશ્ચર્યજનક છે. દેશનો દરેક વ્યક્તિ કહી રહ્યો હતો કે કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે, અમે દરેક સર્વેમાં આગળ હતા, પરંતુ જે પરિણામો આવ્યા તે આશ્ચર્યજનક છે.

EVMની તપાસની માંગ

કોંગ્રેસે બુધવારે ચૂંટણી પંચને પણ EVM અંગે જાણ કરી હતી અને તપાસની માંગ કરી હતી. મુખ્ય વિપક્ષી દળના વરિષ્ઠ નેતાઓના એક પ્રતિનિધિમંડળે પણ પંચને વિનંતી કરી હતી કે, તે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સીલ અને સુરક્ષિત રાખવા જોઈએ, જેના વિશે પ્રશ્નો ઉભા થયા છે.

હરિયાણા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

આ વર્ષે જૂનમાં લોકસભા ચૂંટણીના પરિણામો પછી હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રથમ મોટી સીધી લડાઈમાં શાસક પક્ષે 90 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 48 બેઠકો જીતી હતી, જ્યારે 2019માં તેણે 41 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 37 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.


  • Follow us on: