• મનસેએ પૂણે પોલીસ કમિશનરને લખ્યો પત્ર

  • અઝાનનો વિરોધ નહી, પરંતુ તે લાઉડ સ્પીકર પર ના થાય
  • પોલીસે પણ કાયદો-વ્યવસ્થા ના ખોરવાય તેનું ધ્યાન રાખે

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ હવે પોલીસને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી આપી છે. પાર્ટીએ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને પૂણે પોલીસ કમિશનરને પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર ઉતાર્યા બાદ તેને રસ્તા પર રાખો. મૌલાનાઓ પાસેથી સંમતિ પત્ર લો. અન્યથા MNS પોલીસ સ્ટેશનની સામે હનુમાન ચાલીસા વગાડીને પોતાનો વિરોધ નોંધાવશે.

જાણો MNSએ પત્રમાં શું કહ્યું

પૂણે MNS દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લાઉડ સ્પીકર એક સામાજિક મુદ્દો છે અને અમે તેમાં ધાર્મિક ભેદભાવ ઉભો નથી કરવા માંગતા. અમે અમારા નિર્ણય પર અડગ છીએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ પત્ર દ્વારા માંગ કરે છે કે, આખા પૂણે શહેરમાં લગભગ 400 થી 450 મસ્જિદો છે. લગભગ તમામ મસ્જિદોમાં લાઉડ સ્પીકર છે, જે ગેરકાયદેસર છે. લાઉડ સ્પીકર હંમેશ માટે દૂર કરવા અથવા બંધ કરવા જોઈએ. જેથી નજીકમાં રહેતા નાગરિકો તેમાંથી નીકળતા મોટા અવાજથી હેરાન ન થાય.


અઝાનનો વિરોધ નથી, પરંતુ તે લાઉડ સ્પીકર પર ના થાય

MNSએ વધુમાં કહ્યું કે, અમે અઝાનની વિરુદ્ધ નથી, પરંતુ અમે માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે, અઝાન લાઉડ સ્પીકર પર ના થવી જોઈએ. આ તમામ મસ્જિદોના મૌલવીઓ સાથે વાત કરીને પોલીસને લેખિત રિપોર્ટ આપવો જોઈએ. પોલીસે પણ આ બાબતે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

રાજ ઠાકરેએ પણ માંગ ઉઠાવી

MNSના વડા રાજ ઠાકરેએ પણ એક પત્ર દ્વારા કહ્યું હતું કે, જો મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવી દેવામાં આવે તો ધાર્મિક કે સામાજિક ભેદભાવનો પ્રશ્ન જ ઊભો નહીં થાય અને મૌલવીઓ અમારી સાથે કાયદાનું પાલન કરશે.

  • Follow us on: