- રામ મંદિરના વિરોધના મુદ્દે PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
- ભગવાન રામ વિના દેશની કલ્પના પણ ન કરી શકાય: PM
- રામનવમી આવી રહી છે, ચાલો જોઈએ કે કોણ અમારો વિરોધ કરે છે: PM
ઉત્તર પ્રદેશના સહારનપુર અને ગાઝિયાબાદથી લઈને રાજસ્થાનના અજમેર સુધી PM મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક વિશાળ રેલી યોજી હતી. જેમાં PMએ જનસભાને સંબોધતા કોંગ્રેસના ઘોષણાપત્ર પર પ્રહારો કર્યા હતા તો કેટલીક જગ્યાએ તેમણે રામ મંદિરનો વિરોધ કરતી કોંગ્રેસનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રામ મંદિરના વિરોધ મુદ્દે PMએ કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર
રામ મંદિરના વિરોધના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. રાજસ્થાનના અજમેરમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માત્ર વિરોધ જ નથી કર્યો પરંતુ ભગવાન રામના મંદિરના અભિષેકમાં ગયેલા તેની પાર્ટીના નેતાને સજા પણ કરી છે. જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ રામ અને રામ મંદિરને આટલી બધી નફરત કેમ કરે છે? PM મોદીએ એ મુદ્દે પણ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, રામનવમી આવી રહી છે, ચાલો જોઈએ કે કોણ અમારો વિરોધ કરે છે.
ચાલો જોઈએ કે કોણ અમારો વિરોધ કરે છે: PM
હજારો લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, શું આપણે રામ વિના આ દેશની કલ્પના કરી શકીએ? તેમણે કહ્યું કે અહીં સવાર-સાંજ રામ રામ કહેવાની પરંપરા છે. જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે રામ રામ જી કહીએ છીએ અને અંતિમ વિદાયમાં પણ રામનું નામ લેવાય છે. શું આપણે રામ વિના કોઈ કામ વિચારી શકીએ? કોંગ્રેસમાં રામ સામે આટલો ગુસ્સો કેમ છે? ભગવાન શ્રી રામ તેમના ઘરે આવ્યા છે, આનાથી મોટી ખુશી શું હોઈ શકે? રામ નવમી આવવાની છે. અમે રામ નવમી જોરશોરથી ઉજવવાના છીએ, ચાલો જોઈએ કે તેઓ કેટલો વિરોધ કરે છે.
આ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો હોય તેવું લાગતું નથી: PM
આ પહેલા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગનો પ્રભાવ દેખાય છે, જ્યારે આ ઢંઢેરામાં ડાબેરીઓનો પ્રભાવ પણ છે. આ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો હોય તેવું લાગતું નથી.









