- દક્ષિણથી ઉત્તર 136 દિવસ પગપાળા ચાલ્યા હતા રાહુલ ગાંધી
- પહેલી ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તર તરફની હતી
- ભારત જોડો યાત્રા ભાગ-2ને લઈને ભાજપે કર્યો પ્રહાર
રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ પાછું મળતાની સાથે જ કોંગ્રેસ ફરી એક્શનમાં આવી ગઈ છે. કોંગ્રેસ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં રાહુલ ગાંધી પોતાની બીજી ભારત જોડો યાત્રા કરવા માટે નીકળશે. આ ભારત જોડો યાત્રા-2 ગુજરાતથી લઈને મેઘાલય સુધીની હશે.
ભારત જોડો યાત્રા પાર્ટી 2ને લઈને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ વાત માહિતી આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો, તેથી હવે બીજી ભારત જોડો યાત્રા કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નાના પટોલેએ કહ્યું હતું કે જે સમયે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢશે તે જ સમયે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્રમાં પણ આવી જ યાત્રા કાઢશે.
નાના પટોલેના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ માધવ ભંડારીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નિષ્ફળ રહી હતી. કારણ કે ત્યારબાદ ઘણા કોંગ્રેસી નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી.
રાહુલ ગાંધી 136 દિવસ પગપાળા ચાલ્યા
રાહુલ ગાંધીએ પહેલી ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ કરી હતી. ત્યારબાદ આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 4 હજાર કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. રાહુલ ગાંધીની પહેલી ભારત જોડો યાત્રાને સંપન્ન થવામાં 136 દિવસ લાગ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, યુપી, પંજાબમાંથી પસાર થયા હતા.
રાહુલ ગાંધીની પહેલી ભારત જોડો યાત્રા દક્ષિણ ભારતથી ઉત્તર ભારત તરફની હતી. હવે બીજી ભારત જોડો યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફની રહેશે. હાલમાં આ યાત્રા ક્યારે શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી.
મહત્વનું છે કે રાહુલ ગાંધીની લોકસભાઉન સભ્યપદ આ અઠવાડિયે જ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી છે. આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરી દીધી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે.
સુપ્રીમ કોર્ટે સજા પર લગાવ્યો સ્ટે
સાંસદ પદ ગયા બાદ રાહુલ ગાંધીએ સજા પર સ્ટે મૂકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ, તેમને કોઈ રાહત મળી ન હતી. ત્યારબાદ, તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જ્યાં સજા પર રોક લગાવવામાં આવી. આ પછી રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી અને તેઓ ફરીથી વાયનાડના સાંસદ બન્યા.