• બિહારનાં 6 જિલ્લામાં વીજળી પડવાથી 9 લોકોનાં મોત

  • ઉત્તર પૂર્વ ભારત સહિત કેટલાક રાજ્યોમાં 10મી સુધી અનરાધાર વરસાદની આગાહી
  • ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકવામાં આવી : ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર

ઉત્તર ભારત અને દક્ષિણનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે ત્યારે હવામાન ખાતાએ બિહાર, આસામ, મેઘાલય અને અરુણાચલપ્રદેશમાં મુશળધાર વરસાદ અને પૂરની ચેતવણી આપી છે.

ઉત્તર પૂર્વ ભારતનાં રાજ્યો તેમજ દક્ષિણનાં કેટલાક રાજ્યોમાં 10મી સુધી અનરાધાર વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બિહારનાં 6 જિલ્લામાં વીજળી પડવાથી 9 લોકોનાં મોત થયા છે. આસામમાં નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેને કારણે વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં બ્રહ્મપુત્ર તેમજ અન્ય નદીઓ છલકાઈ જતા પૂરની સ્થિતિ વણસી છે. લાખો લોકો બેઘર થયા છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ રાજસ્થાનનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને પૂરને કારણે સ્થિતિ વણસી શકે છે.

હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ ઉત્તર પૂર્વ ભારત તેમજ અન્ય વિસ્તારોમાં 9મી કે 10મી સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ,નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 10મી સુધી અનરાધાર વરસાદ તેમજ પૂરની શક્યતા છે.

બિહારનાં 6 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 9 લોકોનાં મોત થયા છે. રાજુ. સરકારે મૃતકોનાં પરિવારને રૂ. 4 લાખની સહાયની જાહેરાત કરી છે. જેહાનાબાદ, માધેપુરા, ઈસ્ટ ચંપારણ્ય, રોહતાસ અને સુપૌલ જિલ્લામાં વીજળી પડવાને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. બીજી તરફ ઋષિકેશથી બદરીનાથ તરફ જતો નેશનલ હાઈવે બંધ કરાયો છે. ભૂસ્ખલન થવાને કારણે રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ તેમજ ઋષિકેશથી બદરીનાથ તરફ જતો નેશનલ હાઈવે 107 તેમજ 58 બ્લોક થઈ ગયા છે. રસ્તા પર કાટમાળ પડયો હોવાથી વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે.


  • Follow us on: