રાજસ્થાનના બરાનમાં પોલીસે ડબલ મર્ડરનો ખુલાસો કર્યો છે. અહીંના એક મકાનમાંથી પરિણીત મહિલાની લાશ મળી આવી હતી અને તેની સાથે એક યુવક પણ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સમગ્ર તપાસમાં મહિલાના પતિએ જ બંનેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પતિએ તેની પત્નીને પાંચ છોકરાઓ સાથે તેના જ બેડરૂમમાં દારૂની મહેફિલ માણતા રંગે હાથે પકડી હતી.


શું બની હતી ઘટના?

પ્રાપ્ત માહિતી મુજબ બરાનમાં એક ઘરમાં પતિએ બેડરૂમમાં પત્ની સાથે પાંચ છોકરાઓને જોઈને ગુસ્સે થઈ ગયો હતો. ગુસ્સામાં તેણે રસોડામાંથી છરી ઉપાડી અને પહેલા તેણે તેની પત્ની પર જીવલેણ હુમલો કર્યો. જેના કારણે તેણી ઘાયલ થઈને નીચે પડી ગઈ હતી. પછી તેણે તે પાંચ છોકરાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું. ઘટનાસ્થળેથી ચાર યુવકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પરંતુ એક યુવકનું નસીબ સારું ન હતું. મહિલાના પતિએ તેને પકડી લીધો અને ત્યારબાદ તેના માથે , ગળે અને કમરના ભાગે છરી વડે અનેકવાર હુમલો કર્યો હતો.

આ પછી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવક અને યુવતીને લોહીના ખાબોચિયામાં પડેલા જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણવા મળ્યું કે મહિલાનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું. પરંતુ યુવકના હજુ શ્વાસ ચાલુ હતા. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ યુવકનું પણ સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.

પોલીસે હાથ ધરી ડબલ મર્ડર કેસની તપાસ

મામલો આંટા પોલીસ સ્ટેશન વિસ્તારના ધાકડખેડી ગામનો છે. જે યુવકો ફરાર થયા છે તે તમામ કોટાના રહેવાસી છે. પોલીસ આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે. ડબલ મર્ડરનો આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.નાયબ પોલીસ અધિક્ષક સોજીલાલ મીનાએ કહ્યું- બુધવારે મોડી રાત્રે ધાકડખેડીમાં ઝઘડાની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક ઘરમાં એક મહિલા અને એક યુવક લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. મહિલાની ઉંમર 30 વર્ષની આસપાસ અને યુવકની ઉંમર 20 વર્ષની હતી.

આ યુવક કોટાનો રહેવાસી હતો. તેની ઓળખ ગૌરવ સિંહ હાડા તરીકે થઈ છે. બંનેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઈજાના નિશાન હતા. જ્યારે મહિલા મૃત્યુ પામી હતી, પરંતુ યુવકનો શ્વાસ ચાલતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવક સાથે કોટાના અન્ય ત્રણ-ચાર યુવકો પણ હતા. પરંતુ તેઓ કોણ હતા તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસને ત્યાંથી કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી.


  • Follow us on: