- રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ જાતે ચા બનાવી
- સીએમનો ચા બનાવતો વીડિયો વાયરલ
- મંત્રીમંડળ વિસ્તરણને લઈ અટકળો તેજ બની
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જયપુરથી ભરતપુર જવા નીકળ્યા હતા. આ દરમિયાન દૌસા જિલ્લાના પીપલકી ગામ નજીક એક હોટલ પર રોકાણ કર્યું હતું. જ્યાં તેમને ટી-સ્ટોલ પર ચા બનાવીને ચાની લિજ્જત માણી હતી. નેશનલ હાઈવે-21 પાસે બેસી રાજસ્થાનના મુખ્યમંત્રીએ ચા પીવાનો આનંદ ઉઠાવ્યો હતો. સીએમ ભજનલાલ શર્માએ ટી-સ્ટોલના સંચાલકને 500 રૂપિયા રોકડા પણ આપ્યા હતા. બાદમાં સીએમનો કાફલો ભરતપુર જવા રવાના થયો હતો.
સીએમની સાદગીના વખાણ
સીએમ ભજનલાલ શર્માની આ સાદગીભરી ઘટનાને લઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભજનલાલ શર્માએ જાતે ચા બનાવીને કાર્યકરોની સાથે ચા પીધી હતી.સીએમની સાદગીને લઈ આસપાસના લોકોમાં ચર્ચા થવા લાગી હતી. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા થોડા દિવસ અગાઉ દિલ્હી પ્રવાસથી પરત ફર્યા છે. સીએમ બન્યા પછી ભજનલાલ શર્માનો આ પ્રથમ દિલ્હી પ્રવાસ હતો. સીએમના દિલ્હી પ્રવાસને લઈ રાજકીય ચર્ચાએ જોર પકડયું હતું. મંત્રીમંડળના વિસ્તરણને લઈ અટકળો ચાલી રહી છે. સીએમ ભજનલાલ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, લોકસભા અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, તાજેતરમાં રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ સીએમનો કળશ ભજનલાલ શર્મા પર ઢોળાયો હતો.









