ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ યાને ઘોરાડ પક્ષીની નર પ્રજાતિ મેળવવા માટે છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારે મથામણ કરતી ગુજરાત સરકાર માટે મોટા આનંદના સમાચાર એ છે કે, રાજસ્થાનના જેસલમેર ખાતેના ઘોરાડ બ્રિડિંગ સેન્ટરમાં આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન અર્થાત્ કૃત્રિમ ગર્ભાધાનથી ભારતભરમાં પહેલીવાર ઘોરાડનું તંદુરસ્ત બચ્ચું પેદા થતાં ગુજરાતનો વનવિભાગ પણ હવે આ ટેક્નોલોજી દ્વારા ઘોરાડની સંખ્યા વધારી શકશે.
રાજ્યમાં આ પ્રજાતિનું પક્ષી લગભગ નામશેષ થવાની તૈયારી છે. કચ્છના બન્ની વિસ્તારમાં માત્ર 3 ઘોરાડ બચ્યાં છે અને ત્રણે માદા છે. ચારેક વર્ષ અગાઉ 7-8 માદા ઘોરાડ હતા, જે પૈકી હવે કેવળ આટલાં બચ્યાં છે.
સપ્ટેમ્બર-2023માં દેશના બધાં રાજ્યોના વનવિભાગના વડા અધિકારીઓની કેન્દ્રીય વન મંત્રાલયે યોજેલી વીડિયો કોન્ફરન્સ વખતે ગુજરાતે રાજ્યમાં લુપ્ત થઈ રહેલા ઘોરાડ પક્ષીઓની સ્થિતિ વર્ણવી દેશમાં સૌથી વધુ 90 ટકા એટલે કે 173 ઘોરાડ ધરાવતા રાજસ્થાનમાંથી કેટલાક પક્ષીઓ મેળવી ગુજરાત ખાતે સેટેલાઇટ બ્રીડિંગ સેન્ટર ઊભું કરવાની માગ કરી હતી. આ પછી રાજ્યના વનવિભાગ તરફથી વખતોવખત નર ઘોરાડ રાજસ્થાનમાંથી કોશિશ થઈ છે, પરંતુ તેનું પરિણામ મળ્યું નથી, એવા સંજોગોમાં જેસલમેર બ્રીડિંગ સેન્ટરમાં માદા ઘોરાડમાં નર ઘોરાડનું વીર્ય બીજદાન કરી મેળવાયેલા બચ્ચાંથી રાજ્ય માટે નવી આશા જાગી છે. રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવ કહે છે કે, જેસલમેરથી આવેલા સમાચાર ખરેખર રોમાંચિત કરનારા છે, કૃત્રિમ ગર્ભાધાનની ટેક્નોલોજીથી ઘોરાડની સંખ્યા વધારવાનો માર્ગ મોકળો થયો છે.