- નાણાકીય વર્ષ 2023-24માં સંરક્ષણ ઉત્પાદનનો વાર્ષિક રેકોર્ડ બ્રેક
- સંરક્ષણ ઉત્પાદનનો વાર્ષિક રેકોર્ડ 1.27 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો
- ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 16.7% વધ્યો
દેશમાં સંરક્ષણ ઉત્પાદનોને લઈને તાજા આંકડાઓ સામે આવ્યા છે. સંરક્ષણ ઉત્પાદનોનો ડેટા શેર કરતી વખતે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24માં સંરક્ષણ ઉત્પાદનનો વાર્ષિક રેકોર્ડ લગભગ 1.27 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 16.7% વધ્યો છે. 2019-20ની સરખામણીમાં 60 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકાર ભારતને સંરક્ષણ ક્ષેત્રે નવી ઉંચાઈ પર લઈ જવા માંગે છે. સરકાર ભારતને એક અગ્રણી વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે કામ કરી રહી છે. નાણાકીય વર્ષ 2023-24માં સંરક્ષણ નિકાસ વિક્રમજનક રૂ. 21,083 કરોડે પહોંચી છે, જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં 32.5% નો વધારો નોંધાવી છે. ગયા નાણાકીય વર્ષમાં આ સંરક્ષણ નિકાસ 15,920 કરોડ રૂપિયા હતી.













