• ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ખાસ લેખ- રામમંદિર નિર્માણ, એક દૈવી સ્વપ્નની પરિપૂર્ણતા

  • ભારતના એક ગૌરવશાળી નાગરિક તરીકે પણ પ્રાણપ્રતિષ્ઠાની આ ક્ષણ પરિપૂર્ણતાની ક્ષણ : અડવાણી
  • એક દૈવી સ્વપ્નની પરિપૂર્ણતાને શનિવારે તેની કચેરી દ્વારા શેર કરવામાં આવ્યો

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું કે રામજન્મભૂમિ ચળવળ કે જેનો પ્રાથમિક ઉદ્દેશ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણનો હતો તે સ્યૂડો-સેક્યુલારિઝમના આક્રમણમાંથી બિનસાંપ્રદાયિકતાના સાચા અર્થને ફરીથી પ્રાપ્ત કરવાનું પ્રતીક બની ગયું છે. અડવાણીએ લખેલ એક ખાસ લેખ-શ્રી રામમમંદિર, એક દૈવી સ્વપ્નની પરિપૂર્ણતાને શનિવારે તેની કચેરી દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ લેખમાં ભાજપ નેતાએ જણાવ્યું હતું કે વાસ્તવિક બિનસાંપ્રદાયિકતા અને સ્યૂડો-સેક્યુલારિઝમ વચ્ચેના તફાવત અંગે ચળવળ દરમિયાન નોંધપાત્ર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અયોધ્યામાં રામમંદિરમાં 22 જાન્યુઆરીના અભિષેક સમારોહના ભાગરૂપે અડવાણીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશનું વાતાવરણ ખરેખર રામમય બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે તેમના માટે માત્ર આરએસએસ અને ભાજપના ગૌરવપૂર્ણ સભ્ય તરીકે જ નહીં પરંતુ ભારતના ગૌરવશાળી નાગરિક તરીકે પણ આ ક્ષણ પરિપૂર્ણતાની ક્ષણ છે.

સંકલ્પ પૂર્ણ કરવા બદલ પીએમ મોદીને વધામણી આપી

અડવાણીએ આ ક્ષણને લાવવા, રામલલાના ભવ્ય મંદિરને બનાવવા અને પોતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધાઈ આપી હતી. રામમંદિર આંદોલનમાં સૌથી આગળ રહેલાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાષ્ટ્ર ધર્મ પત્રિકાના ખાસ અંકમાં લખેલા પોતાના લેખમાં આ વાતો કહી છે. આ લેખ 16 જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે. નોંધનીય છે કે પત્રિકાના ખાસ અંકની કોપી એ તમામ લોકોને આપવામાં આવશે કે જે લોકો રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે. અડવાણીએ જણાવ્યું હતું કે નિયતીએ જ નક્કી કર્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને તેના માટે તેણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી કરી હતી.

અટલજીની ખોટને મહેસૂસ કરી

અડવાણીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે તેઓ અયોધ્યામાં રામમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ અટલજીની ગેરહાજરીને મહેસૂસ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આજે રથયાત્રાને 33 વર્ષ પૂરા થઈ ગયાં છે. જ્યારે અમે 25 સપ્ટેમ્બર, 1990ની સવારે રથયાત્રાનો આરંભ કર્યો હતો ત્યારે મને પણ ખબર ન હતી કે ભગવાન રામ પ્રત્યેની આસ્થાની સાથે અમે જે યાત્રાનો આરંભ કરી રહ્યા છીએ તે દેશમાં એક આંદોલનનું રૂપ લઈ લેશે.


  • Follow us on: