• બંદૂકધારીઓ ખૂબ જ ઓછા નજરે પડશે, છતાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય હશે

  • ભીડ તથા થ્રેટ પરસેપ્શનનું વિશ્લેષણ કરીને સીઆઈએસએફએ સુરક્ષા સંબંધિત સૂચનો કર્યા છે
  • આ યોજનામાં આઠ પોઇન્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

રામમંદિરની સુરક્ષા વ્યવસ્થા રાષ્ટ્રપતિ ભવન અને સંસદભવનને સમકક્ષ રહેશે. રામમંદિરની સુરક્ષા વ્યવસ્થાની યોજના સીઆઈએસએફ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ યોજનામાં આઠ પોઇન્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રામમંદિરની સુરક્ષામાં આધુનિક સુરક્ષા ઉપકરણોનો વધારે ઉપયોગ કરવામાં આવશે. રામલલાના સંકુલમાં બંદૂકધારીઓ ખૂબ જ ઓછા નજરે આવશે, તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય હશે. સીઆઈએસએફએ પ્રદેશ સરકારને કેટલાક મહત્ત્વના સૂચનો કર્યા છે, તે પછી રામમંદિરની સુરક્ષા યોજના બનીને તૈયાર થઇ છે. હવે આ યોજનાને અમલમાં મૂકવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. અહેવાલો અનુસાર રામમંદિર સંકુલની સુરક્ષા યોજનામાં દરેક બાબતને ધ્યાનથી વિચારવામાં આવી છે. ખાસ કરીને ભીડ તથા થ્રેટ પરસેપ્શનનું વિશ્લેષણ કરીને સીઆઈએસએફએ સુરક્ષા સંબંધિત સૂચનો કર્યા હતાં. નોંધનીય છે કે સીઆઈએસએફને આ કામગીરી માટે એટલે પસંદ કરવામાં આવ્યું છે કે આ કેન્દ્રીય દળ પાસે તિરુપતિ મંદિર, શીરડી સાંઇબાબા મંદિર, ગોરખનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને મહાબોધિની સુરક્ષાનો અનુભવ છે. રામમંદિરની સુરક્ષા માટે થ્રેટ પરસેપ્શન તૈયાર કરવા માટે સ્થાનિક પોલીસ, ગુપ્તચર એજન્સીઓ સહિત અલગ અલગ એજન્સીઓના ઇનપુટ મેળવવામાં આવ્યા હતાં. મંદિર માટે ભીડનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઇએ તેના માટે પણ એક મજબૂત યોજના તૈયાર કરવામાં આવી છે.

આ આઠ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે

થ્રેટ પરસેપ્શન અને રિસ્ક એનાલિસીસ, એક્સેસ કન્ટ્રોલ, સુરક્ષામાં કેટલા દળની જરૂર પડશે, ફાયર સેફટી, ડોક્યુમેન્ટ સેફટી, આંતરિક ગુપ્ત બાતમી, ઇમર્જન્સી સુરક્ષા ઉપાયો, ક્રાઉડ કન્ટ્રોલ મેનેજમેન્ટ પ્રોસીજર, સ્ટાફ ફાયર સેફટી ટ્રેનિંગ

રામમંદિરમાં ખાસ સુરક્ષા ગ્રીલ લગાવાશે

રામમંદિરની સુરક્ષાને મજબૂત બનાવવા સીઆઈએસએફએ ખાસ સુરક્ષા ગ્રીલ લગાવવાની ભલામણ કરી છે, જેને ખાસ મંદિર માટે જ બનાવવામાં આવશે. સમગ્ર સંકુલની સુરક્ષા ઉચ્ચતમ સ્તરની રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સુરક્ષામાં સામેલ દળોને સમયાંતરે જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવે તે પાસાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.

રામમંદિરની ફરશ તૈયાર કરવાની કામગીરીમાં તેજી

કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ હવે પૂર્ણતાની નજીક છે. આગામી 22 જાન્યુઆરીના રોજ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. જેના માટે મંદિરના પહેલા માળનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. હાલ નિર્માણાધીન રામમંદિરની ફરશના કામને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.


  • Follow us on: