• ઝારખંડના પાટનગર રાંચીમાં વીરેન્દ્ર રામ મામલે વિવિધ સ્થળોએ ઈડીના દરોડા, છ મશીન દ્વારા 16 કલાકથી ગણતરી

  • મંત્રીના પીએનો નોકર પણ 30 કરોડનો આસામી, નોટો ગણવાના મશીન અને સ્ટીલના ટ્રંક લવાયાં,
  • જ્વેલરી પણ જપ્ત કરાઈ, મંત્રી આલમગીર શંકાના દાયરામાં, વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે

   ઝારખંડના પાટનગર રાંચીમાં વિવિધ સ્થળોએ વીરેન્દ્ર રામ મામલે દરોડામાં ઇડીએ રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમના અંગત સચિવ સંજીવ પાલના ઘરનોકરને ત્યાંથી સોમવારે 30 કરોડ રૂપિયાથી વધુ રોકડ જપ્ત કરી. સાથે જ જ્વેલરી પણ જપ્ત કરાઇ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર જપ્ત કરાયેલી રોકડ રકમમાં મોટાભાગે 500 રૂપિયાની નોટો છે. સંજીવ પાલના ઘરે નોટો ગણવાના મશીન અને સ્ટીલના ટ્રંક લવાયાં હતા. માર્ગ નિર્માણ વિભાગના એન્જિનિયર વિકાસકુમારના ઘરે પણ ઇડીના દરોડા પડયા હતા. નોંધનીય છે કે ઇડીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામની મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે ઘણી મોટી હસ્તીઓ સાથે સંબંધોનો ખુલાસો કર્યો હતો. વીરેન્દ્ર રામને ત્યાંથી રૂ. 150 કરોડની સંપત્તિ મળી હતી. આ ઉપરાંત બે કરોડ રૂપિયાની સોનાની જ્વેલરી, એક લેપટોપ અને કેટલીક પેનડ્રાઇવ પણ મળી હતી. વીરેન્દ્ર રામના 24 ઠેકાણાઓ પર ગત વર્ષે 21 ફેબ્રુઆરીએ શરૂ થયેલી દરોડાની કાર્યવાહી બીજા દિવસે પૂરી થઇ હતી. આ દરમિયાન તેની પાસેથી કબજે લેવાયેલા દસ્તાવેજોના આધારે બે દિવસ સુધી તેની પૂછપરછ કરાઇ હતી. વીરેન્દ્ર રામ એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે. ગત વર્ષે ઇડીએ આરોપ લગાવ્યો હતો કે વીરેન્દ્રએ કોન્ટ્રાક્ટર્સને ટેન્ડર આપવાના બદલામાં કમિશન પેટે કરોડોની કાળી કમાણી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. તે સમયે જ ઈડીના દરોડા દરમિયાન મળી આવેલી આટલી જંગી રોકડના પગલે રાજકારણ પણ ગરમાયું છે. રાજકીય પક્ષો એક-બીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે.

આલમગીર આલમ કોણ છે?

  આલમગીર આલમ ચાર વખતથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેઓ પાકુડ વિધાનસભા બેઠક પરથી વર્ષ 2000, 2005, 2014 અને 2019માં ધારાસભ્યપદે ચૂંટાયા હતા. ઓક્ટોબર, 2006થી ડિસેમ્બર, 2009 દરમિયાન વિધાનસભા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2019ની ચૂંટણી બાદ ઝારખંડમાં બનેલી મહાગઠબંધનની સરકારમાં તેઓ પ્રધાન બન્યા હતા. દરોડા અંગે તેમણે અંગત સચિવ સંજીવ પાલથી અંતર જાળવતા કહ્યું કે તેઓ અગાઉ પણ બે પૂર્વ પ્રધાનના અંગત સચિવ રહી ચૂક્યા છે. તેઓ એક સરકારી કર્મચારી છે અને અનુભવના આધારે તેમની નિમણૂક થાય છે.

ગત ડિસે.માં કોંગ્રેસ સાંસદને ત્યાંથી 351 કરોડ રોકડા મળ્યા હતા

   સમગ્ર મામલે કોંગ્રેસ ફસાતી દેખાઇ રહી છે. ભાજપે આલમગીર આલમની ધરપકડની માગ કરી છે. ભાજપે ગત ડિસેમ્બરમાં ઝારખંડના કોંગ્રેસ સાંસદ ધીરજ સાહૂને ત્યાં આવકવેરા વિભાગના દરોડામાં રૂ. 351 કરોડ રોકડા મળ્યા હતા તેનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. આવકવેરા વિભાગના ઇતિહાસમાં પહેલીવાર કોઇ દરોડામાં આટલી જંગી રકમ મળી આવી હતી. ત્યારે આવકવેરા વિભાગે ઓડિશા, ઝારખંડ અને પિૃમ બંગાળમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા, જેમાં એટલી બધી રોકડ રકમ મળી હતી કે નોટો ગણવાના 40 મશીનની મદદ લેવી પડી હતી. રોકડ રકમ 200 બેગ અને ટ્રંકમાં ભરીને લઇ જવાઇ હતી. આવકવેરા વિભાગનું કહેવું હતું કે આ રોકડ દારૂના રોકડેથી વેચાણથી થયેલી કમાણી છે. સાહૂ પરિવાર કેટલાય દાયકાઓથી લિકર બિઝનેસ સાથે સંકળાયેલો છે. ઓડિશા-ઝારખંડમાં મોટાભાગની લિકર શોપ સાહૂ પરિવારની જ છે. દરોડા બાદ સાહૂએ દાવો કર્યો હતો કે બધા પૈસા તેમના પરિવારના છે અને કોંગ્રેસને કોઇ લેવાદેવા નથી. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં 351 કરોડમાંથી 150 કરોડની રકમ પર ટેક્સ ભરી દીધાના અહેવાલ હતા. આ દરોડા પછી કોંગ્રેસ પક્ષે પોતાને તેનાથી દૂર રાખી હતી.


  • Follow us on: