ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું મુંબઇની હોસ્પિટલમાં નિધન થયુ. ત્યારે હવે તેમની સંપત્તિનો માલિક કોણ તેને લઇને સવાલો થઇ રહ્યા હતા. આ અંગે ઘણી ચર્ચાઓ પણ થઇ હતી. ત્યારે હવે આ અંગેની ડિટેઇલ સામે આવી છે. ઑગષ્ટ 2023માં જાહેર થયેલા હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટના અનુસાર રતન ટાટા પાસે ટાટા સન્સમાં 0.83 ટકા ભાગીદારી હતી. જેને કારણે તેમની કુલ સંપત્તિ 7900 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે અન્ય સંપત્તિઓને ભેગી કરીએ તો તેમની કુલ સંપત્તિ 10 હજાર કરોડ રૂપિયાથી વધારે છે.


વસિયતમાં પાલતુ શ્વાનનો ઉલ્લેખ !

મળતી માહિતી મુજબ રતન ટાટાના વસિયતમાં પાલતુ શ્વાનના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટસમાં જણાવ્યા મુજબ રતન ટાટાએ પેટ ડૉગ ટીટીનું નામ પણ સામેલ કર્યુ છે. TOIના અહેવાલ મુજબ, રતન ટાટાએ તેમની વસિયતમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના જર્મન શેફર્ડ ટીટોની આજીવન સંભાળ રાખે. રતન ટાટાએ તેમના વસિયતનામામાં, તેમના પ્રિય જર્મન શેફર્ડ, ટીટોની આજીવન સંભાળ સુનિશ્ચિત કરી છે, જે રતન ટાટાની ઊંડી કરુણાને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.  ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર ટીટો ટાટાના લાંબા સમયથી શેફ રાજન શોની દેખરેખ હેઠળ રહેશે. તેમના બીજા સહાયક સુબ્બૈયાનો પણ વિલમાં ઉલ્લેખ છે. આ સિવાય શાંતનુ નાયડુનું નામ પણ છે.

કેટલી છે સંપત્તિ ?

રતન ટાટાની સંપત્તિ વિશે વાત કરીએ તો અલીબાગમાં 2000 ચોરસ ફૂટનો સમુદ્ર કિનારે આવેલો બંગલો, મુંબઈના જુહુ તારા રોડ પર 2 માળનું મકાન, રૂ. 350 કરોડથી વધુની ફિક્સ ડિપોઝિટ અને 165 અરબ ડોલરની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 0.83% હિસ્સો સામેલ છે. આ બધું રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનને આપવામાં આવશે. 

વસિયતમાં 4 લોકોનો નામનો ઉલ્લેખ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ રતન ટાટાએ એક ડિટેઇલ વસિયત મૂકીને ગયા છે. જેમાં તેમના નજીકના લોકોના નામનો ઉલ્લેખ છે. સાવકી બહેનો શિરીન અને ડાયના જેજીભૉય, વકીલ ડેરિયસ ખંભાતા, તેમના અંગત મિત્ર મેહલી મિસ્ત્રીનું નામ સામેલ છે. જો કે વિલની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી, તે સ્પષ્ટ છે કે ટાટાની સંપત્તિનો મોટો હિસ્સો ચેરિટી માટે સમર્પિત કરવામાં આવશે. આ રતન ટાટાના જીવન પ્રત્યેના પરોપકારી અભિગમનો પુરાવો કહી શકાય.

કોણ છે મેહલી મિસ્ત્રી?

મેહલી મિસ્ત્રી જેઓ રતન ટાટાના નજીકના મિત્ર હતા. તેમણે લાંબા સમય સુધી ટાટા ટ્રસ્ટ સાથે કામ કર્યું છે. ટાટા સન્સમાં 52% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સ કંપનીની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ટ્રસ્ટોનું કાર્ય સામાજિક અને પરોપકારી પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાનું છે, જે રતન ટાટાની વિચારધારાનું પ્રતીક છે.

શું કહે છે તે વકીલ?

વકીલ ડેરિયસ ખંભાતાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે ન તો વિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો કે ન તો તે અંગે કોઈ સલાહ આપી હતી. તેમના કહેવા પ્રમાણે તેમણે તેમના મૃત્યુ પછી પહેલીવાર રતન ટાટાનું વસિયતનામું જોયું. આખરે, રતન ટાટાની અંતિમ ઈચ્છાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વિલના અમલકર્તાની છે. ટાટાનું વસિયતનામું સાબિત કરે છે કે તેઓ સંપત્તિ કરતાં પરોપકારને વધુ મહત્ત્વ આપતા હતા અને તેમનું જીવન હંમેશા સમાજમાં યોગદાન આપવા પર કેન્દ્રિત હતું.

  • Follow us on: