• નવાઝ મોદીએ બે પુત્રી અને પોતાના માટે સંપત્તિમાંથી 75 ટકા ભાગ માંગ્યો

  • ગૌતમ કુલ રૂપિયા 11,000 કરોડની સંપત્તિ ધરાવે છે
  • ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીના કાનૂની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી

રેમન્ડના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાએ લગ્નના 32 વર્ષ પછી પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવા નિર્ણય લીધો છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ છૂટાછેડા માટે પતિ ગૌતમ સિંઘાનિયાની નેટવર્થના 75 ટકા જેટલો ભાગ બે પુત્રીઓ નિહારિકા-નિશા અને પોતાને આપવાની શરત મૂકી છે. ગૌતમ કુલ 1.1 અબજ ડોલર (અંદાજે 11,000 કરોડ)ની સંપત્તિ ધરાવે છે. ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર 13 નવેમ્બરે પત્નીથી અલગ થઈ રહ્યા હોવાની જાણકારી આપી હતી. એક્સ પર ભાવુક પોસ્ટ મૂકતાં સિંઘાનિયાએ લખ્યું હતું કે,'અમારા માટે આ વર્ષની દિવાળી પહેલા જેવી નથી રહી. દંપતીના રૂપમાં અમે 32 વર્ષ સાથે રહ્યા. માતા-પિતાના રૂપમાં વિકસીને અમે હંમેશા એકબીજા માટે મજબૂતી સાથે ઊભા રહ્યા. અમારી પ્રતિબદ્ધતા અને ભરોસાની સફરમાં બે સુંદર પડાવ પણ આવ્યા. અમે બન્ને ભલે અલગ થઈ રહ્યા હોઈએ, પરંતુ પહેલાની જેમ જ પુત્રી નિહારિકા અને નિશા સિંઘાનિયાની દેખરેખ કરતા રહીશું.' આ ઘટનાક્રમ વચ્ચે હવે પત્નીએ સિંઘાનિયાની રૂપિયા 11,620 કરોડની સંપત્તિમાં 75 ટકા ભાગ માંગ્યો છે.

1991માં થયા હતા લગ્ન

58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ 1991માં સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા. નવાઝ મોદી દક્ષિણ મુંબઇ ખાતે એરોબિક્સ અને વેલનેસ તજજ્ઞ છે. ફિટનેસ સેન્ટર ચેઇન બોડી આર્ટનું સંચાલન કરે છે. રેમન્ડ લિમિટેડના ડિરેક્ટર બોર્ડમાં પણ સામેલ છે. નવાઝ અંગત રીતે રેમન્ડના 2,500 શેર ધરાવે છે. ગૌતમ સિંઘાનિયા પાસે માત્ર 29 શેર છે.

પારિવારિક ટ્રસ્ટ ઊભું કરવાની દિશામાં વિચારણા

મીડિયા અહેવાલ મુજબ ગૌતમ સિંઘાનિયાએ પત્નીએ મૂકેલી શરતનો મહદંશે સ્વીકાર કરી લીધો છે. જોકે તેમણે એક પારિવારિક ટ્રસ્ટની રચના કરીને પરિવારની સંપત્તિને ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરીને ટ્રસ્ટના એકમાત્ર પ્રબંધક ટ્રસ્ટી પોતે રહેશે તેવું મંતવ્ય વ્યક્ત કર્યું છે. શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર અક્ષય ચૂડાસમા કહેવાતી રીતે દંપતી વચ્ચે સમાધાન થાય તેના પ્રયાસ કરી રહ્યા છે. ખૈતાન એન્ડ કંપનીના સિનિયર પાર્ટનર હૈગ્રેવ ખૈતાન અને મુંબઇની લો ફર્મ રશ્મિકાંતની ક્રમશઃ ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીના કાનૂની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.


  • Follow us on: