- ખેડાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 3 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી
- 23 ફેબ્રુઆરીએ રાયપુર જઇ રહેલા પવન ખેડાની આસામ પોલીસે ધરપકડ કરી હતી
- દિલ્હીની દ્વારકા કોર્ટે રૂ.30,000ના બોન્ડ પર ખેડાને વચગાળાના જામીન આપ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પિતા પરની અભદ્ર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતા પવન ખેડાને આપવામાં આવેલા વચગાળાના જામીન ચાલુ રહેશે. ખેડાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવાર 3 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે ખેડાને મોટી રાહત આપી હતી. દિલ્હીમાંથી આસામ પોલીસે ધરપકડ કરાયેલા ખેડાને આસામ જતા પહેલા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.
આગામી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ આસામ અને યુપીમાં નોંધાયેલા કુલ 3 એફઆઈઆર એક જગ્યાએ સ્થાનાંતરિત કરવાનું વિચારશે. આસામ અને યુપી સરકારે જવાબ દાખલ કરવા માટે કોર્ટમાંથી સમય માંગ્યો છે. આ કારણોસર સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. 23 ફેબ્રુઆરીએ કોંગ્રેસના મહાઅધિવેશનમાં રાયપુર જઇ રહેલા પવન ખેડાને આસામ પોલીસે ફ્લાઇટમાંથી ઉતારી ધરપકડ કરી હતી. આ પછી, અભિષેક મનુ સિંઘવીની અરજી પર સુપ્રીમ કોર્ટે 28 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન માટે રાહત આપી હતી.










