- PM મોદીએ ચક્રવાતી તોફાન 'રેમલ'ને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
- ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં કંટ્રોલ રૂમ 24 કલાક ખુલ્લા રહેશે
- પીવાના પાણી, વીજળી, આરોગ્ય, ટેલિકોમ, દવાઓ પુરવઠાનો પૂરતો સંગ્રહ કરવા સૂચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચક્રવાતી તોફાન 'રેમલ'ને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ચક્રવાતી તોફાનનો સામનો કરવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓની તૈયારીઓ વિશે માહિતી લેવામાં આવી હતી. વડાપ્રધાને અધિકારીઓને ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
વાવાઝોડાને લઇ 26-27 મે માટે રેડ એલર્ટ
વાવાઝોડાની જે વિસ્તારમાં અસર જણાય ત્યા પીવાના પાણી, વીજળી, આરોગ્ય, ટેલિકોમ વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા PMએ સૂચનાઓ આપી છે. અને આવશ્યક દવાઓ અને પુરવઠાનો પૂરતો સંગ્રહ સુનિશ્ચિત કરવા અને અવિરત હિલચાલની યોજના બનાવવા માટે પણ નિર્દેશ આપ્યો છે. ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં કંટ્રોલ રૂમ 24 કલાક ખુલ્લા રહેશે.
ચક્રવાતી તોફાન 'રેમલ' રવિવારે મધ્યરાત્રિએ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલા એક અપડેટ મુજબ, ઉત્તર બંગાળની ખાડી પર ચક્રવાત 'રેમાલ' તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે.
બંગાળમાં વરસાદ શરૂ, તંત્ર લાગ્યું કામે
નાદિયા અને પૂર્વ બર્દવાનમાં પવનની ઝડપ 60-70 કિમી સુધી રહી શકે છે. પરંતુ આ સ્પીડને 80 કિલોમીટર સુધી વધારી શકાય છે. આ સિવાય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દક્ષિણના જિલ્લાઓના બાકીના ભાગોમાં 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણાના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે 26-27 મે માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે. ચક્રવાતી તોફાનના ભયને ધ્યાનમાં રાખીને કોલકાતા એરપોર્ટને 21 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે, જ્યારે સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી છે. આ દરમિયાન બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.









