- પીએમ મોદીને મળ્યુ SCO સંમેલન માટે આમંત્રણ
- વિદેશ મંત્રી એસ જય શંકરે પાકિસ્તાનને લઇને આપ્યું નિવેદન
- કહ્યું પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો યુગ સમાપ્ત
15 અને 16 ઑક્ટોબરે એસસીઓ સંમેલન પાકિસ્તાન યોજવા જઇ રહ્યુ છે. જે ઇસ્લામાબાદમાં યોજાવાનું છે. આ સંમેલનમાં પાકિસ્તાનની સરકારે પીએમ મોદીને ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યુ છે. તો બીજી તરફ વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને ખરી ખોટી સંભળાવી દીધી છે.
દિલ્હીમાં યોજાયો હતો કાર્યક્રમ
દિલ્હીમાં એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં વિદેશમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આ દરમિયાન કહ્યું કે દરેક વસ્તુ માટેનો એક સમય હોય છે. કાર્ય વહેલા કે મોડા થઇને જ રહે છે. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે તો ત્યાં કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. તેનો અર્થ એ કે મુદ્દો પોતે જ સમાપ્ત થઈ ગયો છે. તેમણે કહ્યું કે હવે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ રાખવા પર વિચાર કેમ કરવો જોઇએ ? પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો યુગ સમાપ્ત થઇ ગયો છે.
પાકિસ્તાનને કોઇ પરિસ્થિતિમાં જવાબ આપવા તૈયાર
આ દરમિયાન જ્યારે વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે શું ભારત પાકિસ્તાન સાથે કેવા સંબંધો પર વિચાર કરી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં એસ. જયશંકરે કહ્યું કે મારુ કહેવુ સ્પષ્ટ છે. અમે નિષ્ક્રિય નથી. પાકિસ્તાન સાથેની ઘટનાઓ સકારાત્મક હોય કે નકારાત્મક દિશા, અમે કોઈપણ પરિસ્થિતિમાં જવાબ આપવા માટે તૈયાર છીએ. તેઓએ યોગ્ય વલણ બતાવવું પડશે.
પાકિસ્તાને પોતાની છબી સુધારવી જોઇએ
આ પહેલા પણ વિદેશ મંત્રીએ મંત્રણાના મુદ્દે મે મહિનામાં સીઆઈઆઈની બેઠકમાં કહ્યું હતું કે પહેલા તેઓએ સીમા પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું પડશે. સ્વાભાવિક રીતે જ ભારત-પાકિસ્તાન સંબંધો અંગે એસ. જયશંકરનું વલણ સ્પષ્ટ છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ રહી છે. સાથે જ કહ્યું કે પાકિસ્તાને પહેલા પોતાની ઇમેજ સુધારવાની જરૂર છે.
બાંગ્લાદેશની સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર
બાંગ્લાદેશ અંગે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે અમે ત્યાંની તત્કાલીન સરકાર સાથે વ્યવહાર કરવા સક્ષમ છીએ. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આપણે સ્વીકારવું પડશે કે ત્યાં સત્તા પરિવર્તન થયું છે. સંભવ છે કે તેઓ વિક્ષેપકારક હોઈ શકે પરંતુ આપણે અહીં પણ પરસ્પર રહેવાની જરૂર છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.









