સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી મળી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 5 કરોડ આપે અથવા અમારા મંદિરમાં આવીને માફી માગે. આવો મેસેજ મુંબઇ ટ્રાફિક પોલીસને આવ્યો હતો. જો કે આખરે આ ધમકી આપનારો ઝડપાઇ ગયો છે. કર્ણાટકથી આ આરોપી ઝડપાયો છે. પુણે પોલીસની સૂચના પર હાવેરી પોલીસે બિકારામ બિશ્નોઈ નામના વ્યક્તિની અટકાયત કરી છે.


મૂળ રાજસ્થાનનો આરોપી 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૂળ રાજસ્થાનનો બિકારામ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો અને હાવેરીના ગૌદર વિસ્તારમાં અન્ય મજૂરો સાથે એક રૂમમાં રહેતો હતો. તે રાજસ્થાનનો રહેવાસી છે અને છેલ્લા 3 મહિનાથી હાવેરીમાં રહેતો હતો. બિકારામના ઠેકાણા વિશે માહિતી મળ્યા પછી, મુંબઈ પોલીસે હાવેરી પોલીસને જાણ કરી, જેના પગલે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.

મુંબઇ ટ્રાફિક કંટ્રોલ સેલને મળ્યો મેસેજ

મુંબઈ ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ધમકીભર્યો મેસેજ લોરેન્સ બિશ્નોઈના ભાઈએ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તે અમારા મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો આમ નહીં કરવામાં આવે તો તેઓ સલમાન ખાનને મારી નાખશે. આ મેસેજમાં લખ્યું છે કે અમારી ગેંગ હજુ પણ સક્રિય છે

નોઇડાનો એક ઝડપાયો હતો

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલિવૂડ સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માંગણી કરવા માટે ઘણા વોટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ પહેલા પણ ઝારખંડના એક વ્યક્તિએ સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મોકલીને માફી માંગી હતી.

સલમાન ખાન લોરેન્સના નિશાને કેમ છે?

પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતા આ વ્યક્તિએ કેસ પતાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1990માં કથિત કાળા હરણના શિકારને કારણે સલમાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર રહ્યો હતો.


  • Follow us on: