• કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ આપ્યું રાજીનામું
  • ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ હતા સામ પિત્રોડા
  • ખડગેએ સામ પિત્રોડાના રાજીનામાનો કર્યો સ્વીકાર

લાંબા વિવાદ બાદ આખરે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સામ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સામ પિત્રોડાના રાજીનામાંને લઈને કોંગ્રેસના નેતા જયરામ રમેશે જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. મહત્વનું છે કે સામ પિત્રોડા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ હતા. 

સામ પિત્રોડાના નિવેદનને લઈને વિવાદ 

લોકસભા ચૂંટણીની વચ્ચે પ્રોપર્ટીની વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સને લઈને મોટું નિવેદન આપતા વિવાદ વકર્યો હતો. ત્યારે હવે વધુ એકવાર સેમ પિત્રોડા પોતાના નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા છે. પહેલા વિરાસત ટેક્સ અને ભારતની વિવિધતા અંગે આપેલા નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. ત્યારે વધુ એકવાર કોંગ્રેસ નેતાના આવા નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઇ છે.

દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છેઃ પિત્રોડા

સામ પિત્રોડાએ રંગભેદને લગતા નિવેદનથી વિવાદમાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા દેખાય છે જ્યારે પશ્ચિમ ભારતના લોકો અરબ જેવા લાગે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે પૂર્વ ભારતના લોકો ચીની જેવા લાગે છે જ્યારે દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છે. આ નિવદેનથી વધુ એકવાર માહોલ ગરમાયો છે.

ભારતની વિવિધતા સામ પિત્રોડાએ આપ્યું હતું નિવેદન?

સામ પિત્રોડાએ અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે આપણે ભારત જેવા વૈવિધ્યસભર દેશને સાથે રાખી શકીએ છીએ, જ્યાં પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે, પશ્ચિમના લોકો આરબ જેવા દેખાય છે, ઉત્તરના લોકો ગોરા લોકો જેવા દેખાય છે અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. કોઈ વાંધો નથી, આપણે બધા બહેનો અને ભાઈઓ છીએ. પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં વિવિધ પ્રદેશોના લોકોના રીતરિવાજો, ખોરાક, ધર્મ, ભાષા અલગ અલગ છે, પરંતુ ભારતના લોકો એકબીજાને માન આપે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે દેશના લોકો 75 વર્ષથી ખુશહાલ વાતાવરણમાં જીવ્યા છે.

કોંગ્રેસ પિત્રોડાના નિવેદન અંગે શું કહ્યું ?

ભારતીયોની તુલના ચાઈનીઝ-આફ્રિકન સાથે કરવાના સેમ પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસ બેકફૂટ પર હોવાનું જણાઇ રહ્યું છે. આ મામલે સામ પિત્રોડાનું નિવેદન સામે આવતાની સાથે જ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી દૂરી લીધી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'ભારતની વિવિધતાનું વર્ણન કરવા માટે સામ પિત્રોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સમાનતા દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓ સાથે સંપૂર્ણપણે અસંમત છે.

સામ પિત્રોડા રાહુલગાંધીના થર્ડ એમ્પાયર: પીએમ મોદી 

પીએમ મોદીએ પણ સામ પિત્રોડાના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી. પોતાની એક ચૂંટણી સભામાં સંબોધન કરતાં સામ પિત્રોડાના નિવેદનને દેશવાસીઓનું અપમાન ગણાવીને રાહુલ ગાંધી પાસે જવાબ માગ્યો હતો. પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદન અંગે ટિપ્પણી કરતા કહ્યું કે મને આજે ખબર પડી કે કોંગ્રેસ પાર્ટી દ્રૌપદી મુર્મૂને હરાવવા કેમ મેદાને ઉતર્યા હતા. મને આજે ખબર પડી કે અમેરિકામાં શહેઝાદાના અંકલ બેઠા છે જે તેમના ફિલોસોફર અને ગાઇડ છે. ક્રિકેટમાં થર્ડ એમ્પાયર હોય છે ને તેવી રીતે રાહુલગાંધીના થર્ડ એમ્પાયર છે. શહેઝાદાના ફિલોસેફર અને ગાઇડ અંકલે રહસ્ય ખોલ્યુ છે. તેમણે કહ્યું કે જેની ચામડીનો રંગ કાળો છે તે આફ્રિકાના છે.

દેશના લોકોને ચામડીના રંગના આધારે આટલી મોટી ગાળો આપી દીધી. ચામડીનો રંગ જોઇને તેમણે માની લીધુ તે દ્રૌપદી મુર્મુ પણ આફ્રિકન છે. આથી આ લોકો દ્રૌપદી મુર્મૂને હરાવવામાં લાગ્યા છે. મને કોંગ્રેસના આવા વિચારોની હવે ખબર પડી. PM મોદીએ કહ્યું કે મને ગુસ્સો આવે છે. હું આજે ગુસ્સે છું. મને કોઇ ગાળો આપે મને ગુસ્સો નથી આવતો હું સહન કરી લઉ છું. પણ શહેઝાદાના ફિલોસોફરે આટલી મોટી ગાળો આપી, રંગના આધારે દેશના લોકોનું અપમાન કર્યુ છે. તે મોદી સહન નહી કરે.

વિપક્ષી ગઠબંધનના નેતાઓએ શું કહ્યું ?

શિવસેના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પિત્રોડાના નિવેદન પર અસહમતી દર્શાવી. તેમણે સવાલો ઉઠાવ્યા કે શું તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે? શું તેઓ દેશમાં રહે છે? તેઓ તોવિદેશમાં રહે છે. તેમના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એક બાજુ રાષ્ટ્રીય મુદ્દાઓ છે અને બીજી બાજુ અમેરિકામાં સામ પિત્રોડાએ શું કહ્યું. અમે તેના વિશે કંઈ કરી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આ કોઇ મુદ્દો નથી અને આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા આપવા માંગતા નથી.

ડીએમકે અને આપ નેતાએ શું કહ્યું ?

પિત્રોડાના નિવેદન પર ડીએમકેના નેતા ટીકેએસ એલાંગોવને કહ્યું, 'અમે બધા સાથે છીએ. અહીં ઘણા ધર્મો, સંસ્કૃતિઓ, ભાષાઓ છે, પરંતુ અમે ભારતના લોકો વચ્ચે ક્યારેય ભેદભાવ કર્યો નથી. આ અમારું નિવેદન નથી. આપણે ભાષા અને સંસ્કૃતિની સમાનતાની વાત કરીએ છીએ અને માનીએ છીએ કે ભારતના દરેક રાજ્યમાં રહેતા લોકો સમાન છે. કદાચ પિત્રોડા તેમની વાત બરાબર સમજાવી શક્યા નથી. જ્યારે AAP નેતા સંજય સિંહે કહ્યું કે વિપક્ષી ગઠબંધનનો કોઈ પણ નેતા સામ પિત્રોડાના નિવેદનને સમર્થન આપતો નથી.


  • Follow us on: