• સીબીઆઇની ટીમ જમ્મુ કાશ્મીરના વીમા કૌભાંડ મામલે સત્યપાલ મલિકના ઘરે પહોંચી હતી

  • સીબીઆઈએ મલિકની 7 મહિનામાં આ બીજી વખત પુછપરછ કરી છે
  • મલિકને બે ફાઈલો ક્લિયર કરવા રૂ. 300 કરોડની લાંચની ઓફર કરાઈ હોવાનો દાવો

સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના ગવર્નર હતા ત્યારે તેમણે વીમા કૌભાંડ તેમજ અન્ય એક મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. સીબીઆઈની ટીમ જમ્મુ કાશ્મીરનાં વીમા કૌભાંડ તેમજ અન્ય મામલે પૂછપરછ કરવા સવારે 11.45 કલાકે સત્યપાલ મલિકને ઘરે ગઈ હતી. મલિકની 5 કલાક પુછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈએ મલિકની 7 મહિનામાં આ બીજી વખત પુછપરછ કરી છે. ઓક્ટોબરમાં તેમનું નિવેદન રેકોર્ડ કરાયું હતું.

મલિકને બે ફાઈલો ક્લિયર કરવા રૂ. 300 કરોડની લાંચની ઓફર કરાઈ હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ સંદર્ભમાં તેમને પ્રશ્નો પુછાયા હતા. આ મામલે સીબીઆઈએ અગાઉ તેમને નોટિસ આપી હતી અને પૂછપરછમાં સહયોગ આપવા કહ્યું હતું. મલિક જ્યારે જમ્મુ કાશ્મીરનાં ગવર્નર હતા ત્યારે બે યોજનાઓમાં ભ્રષ્ટાચાર અંગે તેમણે ફરિયાદ કરી હતી અને કેસ પણ કર્યા હતા. જો કે આ કેસમાં મલિક હજી સુધી શકમંદ આરોપી નથી. મલિકે ચાર રાજ્યો બિહાર, જમ્મુ કાશ્મીર, ગોવા અને મેઘાલયનાં ગવર્નર તરીકે ફરજો બજાવી હતી.

ઓક્ટોબર 2021માં સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે એક ફાઈલ ક્લિયર કરવા RSS નેતા દ્વારા તેમને રૂ. 300 કરોડની લાંચની ઓફર કરાઈ હતી. બે પ્રોજેક્ટને લગતી ફાઈલ પર સહી કરવા તેમને કહેવાયું હતું. જેમાં એક ફાઈલ અનિલ અંબાણીની વીમા કંપનીને લગતી અને બીજી RSS નેતાની કંપનીની હતી. જો કે આ બંને પ્રોજેક્ટમાં કૌભાંડ હોવાની સંબંધિત વિભાગો દ્વારા જાણ કરાયા પછી મલિકે બંને સોદા રદ કર્યા હતા.


  • Follow us on: