સેબીનાં ચેરપર્સન માધવી પૂરી બૂચ અને તેમનાં પતિ ધવલ બૂચ દ્વારા કોંગ્રેસે તેમનાં પર કરેલા આક્ષેપોને ખોટા અને વાહિયાત ગણાવીને ફગાવી દેવામાં આવ્યા છે.


બંનેના સંયુક્ત નિવેદનમાં કોંગ્રેસ નેતાએ કરેલા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે માધવી પૂરી બૂચ અને તેમનાં પતિ પર ગેરરીતિઓ તેમજ ભ્રષ્ટાચાર આચરવાના અને હિતોના ટકરાવના તેમજ ત્રણ કંપનીઓ પાસેથી પગાર મેળવવાના આક્ષેપો કર્યા હતા. માધવી પૂરી બૂચ અને તેમનાં પતિએ કહ્યું હતું કે તેમની પર કરવામાં આવેલા આક્ષેપો ખોટા, ઉપજાવી કાઢેલા અને અપમાનજનક ગણાવ્યા હતા. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, માધવી પૂરી બૂચ દ્વારા સેબીમાં સામેલ થયા પછી ક્યારેય અગોરા એડવાઇઝરી, અગોરા પાર્ટનર્સ, મહિન્દ્રા ગ્રૂપ, પીડીલાઇટ, ડૉ. રેડ્ડીઝ, અલ્વારેઝ એન્ડ માર્શલ, સેમ્બકોર્પ, વિસુ લિઝિંગ કે ICICI બેન્ક સાથે જોડાયેલી કોઈ ફાઈલ પર નિર્ણયો લીધા નથી. અમારી સામે કરવામાં આવેલા આરોપો ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને અમારા સન્માનને હાનિ પહોંચાડનારા છે. તમામ આક્ષેપો ખોટા અને રાજકીય ઇરાદા પ્રેરિત છે. બૂચ દંપતીએ તેમની સામે કરવામાં આવેલા આક્ષેપોના સંદર્ભમાં કાનૂની પગલાં લેવા વિચારાઈ રહ્યું હોવાનાં સંકેતો આપ્યા હતા.

બૂચ દંપતીએ શું કહ્યું?

બૂચ દંપતીએ ખુલાસો કર્યો છે કે આ આરોપો અમારા આવકવેરા રિટર્નને આધારિત છે અને અમારા આવકવેરા રિટર્નનો હિસ્સો છે. જેમાં કરવેરાની ચુકવણી સહિત તમામ મુદ્દાની સ્પષ્ટતા કરવામાં આવી છે. અમારા આવકવેરાનાં રિટર્ન છેતરપિંડી આચરીને ગેરકાયદેસર મેળવવામાં આવ્યા છે. અમારા આવકવેરા રિટર્નમાં દર્શાવવામાં આવેલા તથ્યો અને હકીકતોને તોડી મરોડીને ખોટા મનઘડંત આક્ષેપો રચવામાં આવ્યા છે. માધવી પૂરી બૂચ જ્યારે 2017માં સેબીનાં હોલટાઈમ મેમ્બર તરીકે જોડાયા ત્યારે તેમની કન્સલ્ટન્સી કંપની તેમજ તેમની પ્રોપર્ટી અને આવકને લગતી તમામ વિગતોની સેબીને જાણ કરવામાં આવી હતી. સેબીના કાર્યકાળ દરમિયાન તેઓ ICICI બેન્ક સાથે જોડાયેલા ન હતા.


  • Follow us on: