- ભારતીયોને પરત લાવવા માટે કતાર સરકાર સાથે વાત કરવા અપીલ
- કતારે કયા ગુનાઓમાં ભારતીયોને સજા સંભળાવી છે તે હજુ રહસ્ય
- અલ દહરા કંપનીના કર્મચારીઓની ગત વર્ષે ઓગસ્ટમાં કરાઇ હતી ધરપકડ
કતારમાં 8 ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવવાની ઘટનાને દુઃખદાયક ઘટના ગણવર કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે તેમને આશા છે કે બંને દેશોના સંબંધોને ધ્યાનમાં રાખીને કતાર પોતાનો ચુકાદો પરત ખેંચશે.
કતારમાં 8 ભારતીય નાગરિકોને દેહાંતદંડની સજા
ભારતીય નૌસેનાના 8 ભૂતપૂર્વ અધિકારીઓને ગુરુવારે કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી, જેના પર ભારતે વિરોધ કર્યો હતો. આ મામલે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે નેવીમાં ફરજ બજાવતા આઠ ભારતીયોને કતારના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની ઘટના ચોંકાવનારી છે. થરૂરે વિદેશ મંત્રાલય અને પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે ભારત સરકાર તમામ 8 ભારતીયોને વતન પરત લાવવા માટે કતાર સરકાર સાથે વાત કરશે અને તેના સકારાત્મક પરિણામ આવશે.
અલ દહરા કંપનીના કર્મચારીઓ છે તમામ 8 નાગરિક
જાણવા મળી રહ્યું છે કે તમામ આઠ ભારતીય નાગરિકો અલ દહરા કંપનીના કર્મચારી છે, જેમને ગયા વર્ષે જાસૂસીના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જોકે, કતાર સરકારે આ આઠ ભારતીયો સામેના આરોપોને હજુ સુધી સાર્વજનિક કર્યા નથી. ભારતે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. ભારતે કહ્યું છે કે તે આ નિર્ણયથી ભારત સ્તબ્ધ છે અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે નિર્ણયની વિગતવાર વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.
ગત વર્ષે ઓગસ્ટમાં કરાઇ હતી ધરપકડ
ભૂતપૂર્વ નૌસૈનિકોને ગત વર્ષે 30 ઓગસ્ટના રોજ કતારની ગુપ્તચર એજન્સીના સ્ટેટ સિક્યોરિટી બ્યુરો દ્વારા પકડવામાં આવ્યા હતા. જો કે, કતાર સરકારે ભારતીય દૂતાવાસને સપ્ટેમ્બરના મધ્યમાં તેમની ધરપકડ અંગે જાણ કરી હતી. પરિવારના સભ્યોને પણ એક મહિના સુધી તેની ધરપકડ અંગે જાણ નહોતી. 30 સપ્ટેમ્બરના રોજ, આ ભારતીયોને તેમના પરિવારના સભ્યો સાથે થોડા સમય માટે ટેલિફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 3 ઓક્ટોબરના રોજ તેમને પ્રથમ વખત કોન્સ્યુલર એક્સેસ મળ્યો અને ભારતીય દૂતાવાસના અધિકારીને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી. આ પછી તેને દર અઠવાડિયે તેના પરિવારના સભ્યોને ફોન કરવાની મંજૂરી આપવામાં આવી.









