હિમાચલપ્રદેશના પર્વતીય વિસ્તારોમાં મંગળવારે સતત બીજા દિવસે પણ હિમવર્ષાનો કેર યથાવત્ રહ્યો હતો. શિમલાના કુફરી, નારકંડા, કિન્નૌર અને લાહૌલ-સ્પિતિ સહિત અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી હતી. આ હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં ઘણા રસ્તા અવરોધાયા છે જેના કારણે પરિવહન વ્યવસ્થામાં સમસ્યા પેદા થઈ છે.
હિમવર્ષાને કારણે રસ્તા અવરોધાવાની સાથે જ સેંકડો ટ્રાન્સફોર્મર્સ પણ ઠપ પડી ગયા છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. તંત્ર રાહત કાર્યોમાં પ્રવૃત્ત છે. પરંતુ હિમવર્ષા ચાલુ રહેવાને કારણે રાહત કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. હિમાચલપ્રદેશના ઇમરજન્સી કેન્દ્રના રિપોર્ટ અનુસાર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં બરફવર્ષાને કારણે ત્રણ મુખ્ય નેશનલ હાઇવે સહિત કુલ 174 રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. સિમલા જિલ્લામાં સૌથી વધારે 89 રોડ બંધ છે. જેમાં ઉપરના વિસ્તારોના રોડ સામેલ છે. કુલ્લુમાં બે અને લાહૌલ સ્પિતિમાં એક નેશનલ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. હિમવર્ષા અને તોફાનને કારણે રાજ્યમાં વીજળીનો સપ્લાય પણ પ્રભાવિત થયો છે. 683 ટ્રાન્સફોર્મર્સ ઠપ થયા છે, જેના કારણે હજારો ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ છે. બરફવર્ષાને કારણે પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.










