કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઝારખંડને લઇને મોટુ નિવેદન આપ્યું છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ઝારખંડમાં બીજેપી સરકાર આવશે તો NRC લાગુ થશે. તેમણે એમ પણ કહ્યું કે નાગરિકતાનું રજિસ્ટ્રેશન બનશે અને ઘૂસણખોરોને તો વીણી વીણીને બહાર કાઢવામાં આવશે.
ઝારખંડને બચાવવાની ચૂંટણી
ભાજપના ઝારખંડ ચૂંટણી પ્રભારી શિવરાજ ચૌહાણે કહ્યું કે ઝારખંડમાં ભાજપનો વિગતવાર સંકલ્પ પત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે, આ માત્ર મુખ્યમંત્રી બનાવવા અથવા પાર્ટીને સત્તામાં લાવવાની ચૂંટણી નથી, પરંતુ ઝારખંડને બચાવવા માટેની ચૂંટણી છે. તેમણે કહ્યું કે અમારો સંકલ્પ દીકરી, માટી અને રોટી એ ત્રણેયની રક્ષા કરવાનો છે.
હેમંત સોરેન પર વરસ્યા શિવરાજ સિંહ
શિવરાજ ચૌહાણે કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે ઝારખંડની વસ્તી બદલાઈ રહી છે. સંથાલ પરગણામાં આદિવાસી વસ્તી 44% થી ઘટીને 28% થઈ ગઈ છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોના કારણે હિંદુ વસ્તી પણ પ્રભાવિત થઈ છે. વોટ બેંકના લોભને કારણે હેમંત સોરેન અને ગઠબંધન સરકાર ઘૂસણખોરોને રક્ષણ આપી રહી છે. ઘૂસણખોરો દ્વારા આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે, આ દેશ માટે મોટો ખતરો છે. આદિવાસી દીકરીઓને માયા જાળમાં ફસાવી તેમના લગ્ન કરાવીને તેમની જમીનો કબજે કરવામાં આવી રહી છે.
ઝારખંડમાં ક્યારે છે ચૂંટણી ?
મહત્વનું છે કે ઝારખંડમાં હજુ સુધી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ઝારખંડમાં નાગરિકતા રજિસ્ટર બનાવવામાં આવશે. અમે સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં NCR લાગુ કરીશું. વિદેશી ઘૂસણખોરોને પસંદગીપૂર્વક હાંકી કાઢવામાં આવશે.













