- શ્રાવણનો સોમવાર અને રક્ષાબંધનનો તહેવાર
- શિવજીના અનોખા રૂપના થયા દર્શન
- અદભૂત દ્રશ્ય જોઇને બે ઘડી જોતા જ રહી જશો
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે. ભગવાન ભોલે નાથને પ્રસન્ન કરવા દૂધ, જળ અને વિવિધ દ્રવ્યો સહિત મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવે છે. શિવજીને રીઝવવા માટે ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વળી આજે રક્ષાબંધન પણ છે એટલે ખાસ તહેવાર પર ઓડિશાના રેત કલાકારે શ્રાવણ સોમવાર અને રક્ષાબંધનને લઇને એક અદભૂત શિવાકૃતિ બનાવી.
શિવનું રક્ષા સૂત્ર
ઓડિશાના રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે એક સુંદર સેન્ડ આર્ટ તૈયાર કર્યુ છે. જેમાં દરિયાકાંઠે રાખડી બનાવવામાં આવી છે. આ રાખડીમાં વચ્ચે શિવજીનું મુખ બનાવવામાં આવ્યુ છે. એટલુ અદભૂત અને સુંદર કારીગરી છે કે બે ઘડી જોતા જ રહી જવાય. પીળો અને લાલ એમ બે રંગોથી રાખડી તૈયાર કરવામાં આવી છે. રેતીથી બનાવેલુ આ આર્ટ જાણે શિવજીનુ રક્ષા સૂત્ર હોય. એટલે કે શિવજી જાણે પોતાના ભક્તની રક્ષા કરી રહ્યા હોય. પુરીના દરિયાકિનારે આવનારા શિવભક્તો આ જોઇને આર્ટીસ્ટના વખાણ કરતા થાકતા નથી.
શિવની અદભૂત આકૃતિ કરી તૈયાર
મહત્વનું છે કે ઓડિશાના રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે અગાઉ એક શિવલિંગ બનાવ્યુ હતું. વચ્ચે શિવના મુખની આકૃતિ બનાવી હતી. જે મોટુ શિવલિંગ બનાવ્યુ હતું તેમાં નાના નાના શિવલિંગને ભેગા કરીને એક મોટા શિવલિંગની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.. જેની પર ઓમ લખેલુ હતુ. ગળામાં પીળા રંગનો સાપ લપેટેલો જોવા મળી રહ્યો હતો. .
8 ફૂટ ઊંચુ આર્ટવર્ક કર્યુ તૈયાર
મહત્વનું છે કે સ્વતંત્રતા દિવસના મહત્વને દર્શાવતું ઓડિશાના પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે પુરી બીચ પર એક આર્ટવર્ક બનાવ્યું હતું, તેઓએ પીએમ મોદીની આઠ ફૂટ ઊંચું આર્ટવર્ક તૈયાર કરી અને હર ઘર તિરંગા સ્લોગન પણ લખ્યું. તેમણે આ આર્ટવર્ક 10 ઓગસ્ટે બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ દેશની જનતાને સ્વતંત્રતા દિવસના અવસર પર તિરંગા સાથે ડીપી બદલવાનું આહ્વાન કર્યું છે. પીએમ મોદીની આ અપીલ બાદ સુદર્શન પટનાયકે રેતીનુ એક આર્ટવર્ક તૈયાર કર્યુ હતું.









