• ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર સંઘના વડાની ટિપ્પણી

  • હમાસ જેવા મુદ્દા પર દેશમાં ક્યારેય યુદ્ધ નથી થયું
  • શિવાજી મહારાજના સમયમાં થયેલું આક્રમણ એવા પ્રકારનું જ હતું

હિન્દુ ધર્મ તમામ ધર્મ-સંપ્રદાયોનો આદર કરે છે અને ભારતમાં ક્યારેય એવા મુદ્દા પર ઝઘડા નથી થયા કે જેના કારણે ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ થઇ રહ્યું છે. આ હિન્દુઓનો દેશ છે અને અહીં મુસ્લિમો પણ સૌથી વધુ સુરક્ષિત છે. આ માત્ર હિન્દુ જ કરી શકે છે, તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂરા થવા પર અહીંની એક સ્કૂલમાં આયોજિત કાર્યક્રમને સંબોધી રહ્યા હતા.

ભાગવતે એમ પણ કહ્યું કે આ દેશમાં એક ધર્મ, સંસ્કૃતિ એવી છે કે જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનો આદર કરે છે અને એ છે હિન્દુ ધર્મ. આ હિન્દુઓનો દેશ છે. તેનો અર્થ એ નથી કે આપણે બીજા બધા (ધર્મો)નો અસ્વીકાર કરીએ છીએ. અહીં જ્યારે આપણે પોતાને હિન્દુ કહીએ છીએ તો એ કહેવાની જરૂર નથી હોતી કે મુસલમાનોને પણ સુરક્ષા અપાઇ છે. માત્ર હિન્દુ જ આવું કરે છે. માત્ર ભારત જ આવું કરે છે. બીજા દેશોમાં આવું નથી થતું.

તેમણે ઉમેર્યું હતું કે બધી જગ્યાએ ઘર્ષણ થઇ રહ્યું છે. તમે યૂક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વિશે સાંભળ્યું જ હશે. આપણા દેશમાં આવા મુદ્દા પર ક્યારેય યુદ્ધ નથી થયું. શિવાજી મહારાજના સમયમાં થયેલું આક્રમણ એવા પ્રકારનું જ હતું પણ આપણે આ મુદ્દા પર ક્યારેય કોઇની સાથે લડાઇ નથી લડયા. એટલે આપણે હિન્દુ છીએ. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ અંદાજે 1,400 લોકો માર્યા ગયા.


  • Follow us on: