- પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ વધી રહી છે
- SITએ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ યૌન ઉત્પીડન કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે
- ચાર્જશીટમાં પ્રજ્વલના પિતા એચડી રેવન્ના પર પણ આરોપો લગાવવામાં આવ્યા છે
જેડીએસ નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના સામે SITએ ચાર્જશીટ દાખલ કરી છે. એસઆઈટીએ રેપ કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. પ્રજ્વલની સાથે જ એસઆઈટીએ તેના પિતા અને ધારાસભ્ય એચડી રેવન્ના વિરુદ્ધ પણ જાતીય સતામણીના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ, SIT પ્રજ્વલ વિરુદ્ધ ચાર કેસની તપાસ કરી રહી છે. જેની તપાસમાં લગભગ 150 સાક્ષીઓના નિવેદનના આધારે 2,000 થી વધુ પેજમાં આરોપો દાખલ કરવામાં આવ્યા છે.
એસઆઈટી દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેમાં રેવન્ના પરિવારની ઘરેલુ નોકરના કથિત જાતીય શોષણ સાથે સંબંધિત આરોપોનો પણ સમાવેશ થાય છે. આ ચાર્જશીટમાં ઘટના સ્થળનું નિરીક્ષણ, જૈવિક, ભૌતિક, વૈજ્ઞાનિક, મોબાઈલ, ડિજિટલ અને અન્ય પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસઆઈટીના સૂત્રોએ જણાવ્યું છે કે ચાર્જશીટ દાખલ કરતા પહેલા નિષ્ણાતોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે.
કોણ છે પ્રજ્વલ રેવન્ના?
પ્રજ્વલ ભૂતપૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (સેક્યુલર)ના વડા એચડી દેવગૌડાના પૌત્ર અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. પ્રજ્વલના પિતા એચડી રેવન્ના રાજ્યના ભૂતપૂર્વ લોક નિર્માણ મંત્રી અને બેંગલુરુના સાંસદ છે. પ્રજ્વલ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે. અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા પણ ગયો છે. તે છેલ્લા એક દાયકાથી જેડીએસ સાથે છે. રેવન્ના 2019માં હાસનથી લોકસભા ચૂંટણી પણ જીતી ચૂક્યો છે.
પિતા અને પુત્ર સામે લાગી આ કલમો
પિતા એચડી રેવન્ના પર ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 354 (A) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે પ્રજ્વલ પર ભારતીય દંડ સંહિતાની કલમ 376, 376 (2) (K), 354, 354 (A) અને 354 (B) દંડ સંહિતા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના ઘરે કામ કરતી નોકરાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતા પણ તેનો દૂરની સંબંધી પણ છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેની ઘણી વખત જાતીય સતામણી કરવામાં આવી હતી.
2024ની ચૂંટણી સમયે આવી સામે આ બાબત
2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા સોશિયલ મીડિયા પર આવા ઘણા અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા જેમાં પ્રજ્વલને બતાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પ્રજ્વલ ઘણી મહિલાઓનું યૌન શોષણ કરતો જોવા મળ્યો હતો. આ વાત સામે આવ્યા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો.
કર્ણાટક રાજ્ય મહિલા આયોગે સમગ્ર મામલાની તપાસની માંગ કરી હતી. આને લઈને કોંગ્રેસ સરકારને પત્ર લખ્યો હતો. જે બાદ સરકારે આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો.