- 2016થી 2022 સુધીમાં બચાવાયેલાં 80% બાળકો 13થી 18 વર્ષનાં
- 13% નવથી બાર વર્ષની વયનાં અને બે % નવ વર્ષથી નાનાં હતાં
- 2021 અને 2022માં દેશમાં બાળતસ્કરીના કુલ 1,214 કેસ
2016ની 30, જુલાઈથી 2022 સુધીમાં દેશમાં બાળતસ્કરીની સૌથી વધુ ઘટનાઓ ઉત્તરપ્રદેશ, બિહાર અને આંધ્રપ્રદેશમાં બની છે, જ્યારે દિલ્હીમાં કોવિડ-19ની પહેલાંની સરખામણીએ મહામારી બાદના સમયમાં બાળતસ્કરીના કેસમાં 68 ટકાનો વધારો નોંધાયો છે. એક બિનસરકારી સંગઠન (NGO)ના સંશોધન અભ્યાસમાં આ માહિતી જાણવા મળી છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઇન ઇન્ડિયા : ઇનસાઇટ ફ્રોમ સિચ્યુએશન ડેટા એનાલિસિસ એન્ડ નીડ ફોર ટેક-ડ્રિવન ઇન્ટરવેન્શન સ્ટ્રેટેજી નામક વ્યાપક રિપોર્ટમાં આ આંકડાનો ખુલાસો થયો છે. વિશ્વ માનવતસ્કરી વિરોધી દિવસ રવિવારે આ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જે દેશમાં બાળતસ્કરીની ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
બાળતસ્કરીમાં દિલ્હીના ચાર વિસ્તારો અગ્રિમ સ્થાને
2016થી 2022 દરમિયાનનાં વર્ષોનો બાળતસ્કરીનો આ અભ્યાસ દેશનાં 21 રાજ્યોના 262 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. જેમાં બાળતસ્કરીની બાબતમાં સૌથી ઉપરના ક્રમે જયપુર શહેરનું નામ છે, જ્યારે સૂચિમાં અન્ય ટોચના સ્થાને દેશના પાટનગર દિલ્હીના ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કર્ણાટકનું નામ પણ છે. કર્ણાટકમાં બાળતસ્કરીમાં 18 ગણી વૃદ્ધિ થઈ હોવાનું જણાવીને આંકડા રજૂ કરાયા છે કે, નોંધાયેલા કેસની સંખ્યા છથી વધીને 110 થઈ ગઈ છે.
કોવિડ મહામારી પછી બનાવો વધ્યા
રિપોર્ટ અનુસાર, કોવિડ-19 પહેલાં (2016થી 2019) બાળતસ્કરીની કુલ 267 ઘટનાઓ નોંધાઈ હતી, પરંતુ, મહામારી પછીના સમયગાળામાં (2021-2022)માં તેમાં ભારે વધારો જોવા મળ્યો છે. 2021 અને 2022માં દેશમાં બાળતસ્કરીના કુલ 1,214 કેસ નોંધાયા હતા. આ ચિંતાજનક આંકડા છતાં રિપોર્ટમાં છેલ્લા એક દાયકામાં સરકાર અને પ્રમોટિંગ એજન્સીઓ દ્વારા લેવાયેલાં સકારાત્મક પગલાંનો ઉલ્લેખ પણ કરાયો છે. જોકે, રિપોર્ટમાં બાળતસ્કરીનો અસરકારક રીતે સામનો કરવા માટે એક વ્યાપક તસ્કરી વિરોધી કાયદો ઘડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
13,549 બાળકોને બચાવી લેવાયાં
અભ્યાસમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરનાં ઓછામાં ઓછાં 13,549 બાળકોને બચાવી લેવાયાં છે. બચાવાયેલાં 80 ટકા બાળકો 13થી 18 વર્ષની ઉંમરનાં હતાં, જ્યારે 13 ટકા નવથી બાર વર્ષની વયનાં અને બે ટકા નવ વર્ષ કરતાં નાનાં હતાં. રિપોર્ટ દર્શાવે છે કે, બાળતસ્કરીમાં જુદી-જુદી ઉંમરનાં બાળકોનો સમાવેશ થાય છે, જેના કારણે આ એક વ્યાપક મુદ્દો બની ગયો છે.