PM મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં લાગેલી ભીષણ આગમાં થયેલા મોતને લઇને દુઃખ વ્યક્ત કર્યુ છે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. પીએમ મોદીએ મૃતકના પરિજનને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
પીએમઓએ 'X' પર લખ્યું કે મહારાષ્ટ્રના સોલાપુરમાં આગની ઘટનામાં થયેલા મૃત્યુથી દુઃખી છું.' જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. દરેક મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.


કાપડની ફેક્ટરીમાં લાગી હતી આગ
ઉલ્લેખનીય છે કે રવિવારે આ ઘટના બની હતી. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રવિવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી 3 મહિલાઓ અને 1 બાળક સહિત 8 લોકોના મોત થયા હતા. મુંબઈથી લગભગ 400 કિમી દૂર સોલાપુર MIDCમાં અક્કલકોટ રોડ પર સ્થિત સેન્ટ્રલ ટેક્સટાઈલ મિલ્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, કાપડ મિલોમાં વહેલી સવારે લગભગ 3:45 વાગ્યે આગ લાગી હતી.

17 કલાકે આગ પર કાબૂ
મૃતકોમાં ફેક્ટરી માલિક હાજી ઉસ્માન હસનભાઈ મન્સુરી, તેમના દોઢ વર્ષના પૌત્ર સહિત તેમના પરિવારના ત્રણ સભ્યો અને 4 કામદારોનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં 3 મહિલાઓ પણ સામેલ છે. ભીષણ આગ અને ધુમાડાના કારણે, ફાયર વિભાગના કર્મચારીઓને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં ફેક્ટરી માલિક અને તેનો પરિવાર ફસાઈ ગયા હતા. આ ઉપરાંત ફેક્ટરીની અંદર રહેલા 4 કામદારો પણ આગની જ્વાળાઓમાં ઘેરાયેલા હતા. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ. મળતી માહિતી મુજબ, આગને કાબુમાં લેવા માટે કુલ 11 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર ઓફિસર રાકેશ સાલુંકેએ જણાવ્યું હતું કે આ બચાવ કામગીરીમાં ફાયરમેન પણ ઘાયલ થયા છે. આગને કાબુમાં લેવામાં 17 કલાક લાગ્યા.
  • Follow us on: