આજે દિવાળીનો પર્વ છે. જો કે દિવાળી દર વર્ષે આવે છે, પરંતુ આ વખતે દિવાળી ખાસ છે. કારણ કે ભારત લગભગ સાડા ચાર વર્ષ પછી LAC પર દિવાળીની ઉજવણી કરી રહ્યું છે. ચીન અને ભારતીય સેનાના સૈનિકો આ પ્રસંગે ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ પર મીઠાઈની આપ-લે કરી હતી. મહત્વનુ છે કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોકમાં સૈન્ય મુકાબલાના આગળના બંને મોરચા પરથી સૈનિકોની હકાલપટ્ટી પૂર્ણ થઈ ગઈ છે. આ બંને જગ્યાએથી કામચલાઉ બાંધકામો, તંબુઓ અને સાધનો વગેરે પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં છેલ્લા સાડા ચાર વર્ષથી પેટ્રોલિંગ બંધ કરવામાં આવ્યું હતું. સરહદ પર તણાવના કારણે ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોનો રસ્તો રોકી દીધો હતો. ભારતે તેનું પેટ્રોલિંગ પણ બંધ કરી દીધું હતું. જો કે હવે બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆત થઈ રહી છે. આજથી એટલે કે દિવાળીના દિવસથી પેટ્રોલિંગ શરૂ થઈ રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે ડેપસાંગ અને ડેમચોકમાંથી ડિસએંગેજમેન્ટ અંગે સમજૂતી થઇ હતી.
2020 પહેલાની સ્થિતિમાં આવી ગયા
મહત્વનું છે કે બુધવારે પેટ્રોલિંગ રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ભારત અને ચીનની સેનાઓએ બુધવારે ડિસએંગેજમેન્ટનું કાર્ય પૂર્ણ કર્યું અને આજથી બંને તરફથી પેટ્રોલિંગ શરૂ થશે. ભારતને આશા છે કે આનાથી LAC પર ચીન સાથેનો તણાવ ઓછો થશે. ઉલ્લેખનીય છે ડેમચોક અને ડેપસાંગમાંથી અસ્થાયી ચોકીઓ અને તંબુઓ હટાવ્યા પછી, બંને સૈનિકો એપ્રિલ 2020 પહેલા જેવી પરિસ્થિતિમાં પાછા ફર્યા છે. ડિસએન્જેજમેન્ટ અને વેરિફિકેશન પ્રક્રિયા પછી આર્મી આજે એટલે કે દિવાળીના દિવસે કેટલીક પ્રારંભિક પેટ્રોલિંગ શરૂ કરશે અને આગામી દિવસોમાં તમામ વિસ્તારોમાં સંપૂર્ણ પેટ્રોલિંગ વધારવામાં આવશે.










