- RTIમાં જાણકારી : વર્ષ 2020માં રેલવેએ આ ઝોનમાં સૌથી વધારે 32,757 ટ્રેન રદ કરી હતી
- ટ્રેન રદ્દ થવાના કારણે પ્રારંભમાં છત્તીસગઢમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયાં
- આરટીઆઈ અરજીના કારણે રેલવે પાસેથી માહિતી મળી છે
દેશમાં ઘણી લાંબા રૂટની ટ્રેનોમાં નિયમિત વિલંબ અને અચાનક સસ્પેન્શન અથવા રદ્દીકરણે રેલવે પ્રવાસીઓને પરેશાન અને થકવી દીધા છે. એક આરટીઆઈ અરજીના કારણે રેલવે પાસેથી માહિતી મળી છે કે છત્તીસગઢથી નાગપુર સુધીના ક્ષેત્રને આવરી લેતાં દક્ષિણ, પૂર્વ મધ્ય રેલવે ઝોનમાં 2020થી આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં 67,600થી વધારે પ્રવાસી ટ્રેન રદ્દ કરવામાં આવી હતી. દેશમાં રેલવેને સૌથી વધારે કમાણી કરાવનારા ક્ષેત્રમાંના એક એવા SECR માં છત્તીસગઢ સ્થિત આરટીઆઈ એક્ટિવિસ્ટે સવાલ કરતાં રેલવેએ ઉપરોક્ત સ્વીકાર કર્યો હતો. આરટીઆઈના જવાબમાં જણાવાયું છે કે 2020માં રેલવેએ આ ઝોનમાં 32,757 ટ્રેન રદ્દ કરી હતી, 2021માં 32,151 ટ્રેન અને 2022માં 2474 ટ્રેન રદ્દી કરી હતી. ચાલુ વર્ષે એપ્રિલ સુધીમાં 208 ટ્રેન રદ્દ કરી હતી. આ ટ્રેનો અલગ અલગ તારીખો પર નાનાથી લાંબા રૂટ પર દોડી રહી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ કહે છે કે રેલવે એક રાષ્ટ્રીય રત્ન છે પણ તેની સર્વિસની કથળતી જતી સ્થિતિ વાસ્તવમાં નાગરિકો માટે ચિંતાજનક છે. નોંધનીય છે કે વારંવાર ટ્રેન રદ્દ થવાના કારણે પ્રારંભમાં છત્તીસગઢમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયાં હતાં. છત્તીસગઢના 11 લોકસભા સભ્યોમાંથી નવ સભ્ય ભાજપના છે તેમણે પણ એ સ્વીકાર કર્યો હતો કે ટ્રેનો રદ્દ થવાના કારણે લોકોને ભારે અસુવિધા અને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડે છે. પણ સ્વાભાવિક રીતે જ રેલવેના નિર્ણયોમાં તેમની કોઇ ભૂમિકા ન હતી.










