- પ્રથમ તબક્કામાં નિષ્ફળ રહેલી ભારતની બંને ટીમ બીજા રાઉન્ડમાં સફળ રહી
- ત્રણેય હિટમાં ટોચના બે સ્થાન હાંસલ કરનાર ટીમો પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થાય
- બીજા રાઉન્ડની હિટમાં બીજા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ
ભારતની વિમેન્સ ચાર બાય 400 મીટર રિલે ટીમ વર્લ્ડ એથ્લેટિક્સ રિલેના બીજા રાઉન્ડની હિટમાં બીજા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે. આ સાથે ભારતની મેન્સ ચાર બાય 400 મીટર રિલે ટીમ પણ નાસાઉ, બહામા ખાતેની વર્લ્ડ એથ્લેટિક્સની બીજા તબક્કાની હિટ રેસ દરમિયાન પેરિસ ઓલિમ્પિકની ટિકિટ હાંસલ કરવામાં સફળ રહી હતી. રૂપલ ચૌધરી, એમઆર પૂવમ્મા, જ્યોતિકા દાંડી અને સુભા વેંકટેશનની ટીમ ત્રણ મિનિટ 29.35 સેકન્ડના સમય સાથે હિટ નંબર-1માં જમૈકા (ત્રણ મિનિટ 28.54 સેકન્ડ) બાદ બીજા ક્રમે રહી હતી. ભારતીય વિમેન્સ ટીમ રવિવારે પ્રથમ રાઉન્ડના ક્વોલિફાઇંગ હિટમાં ત્રણ મિનિટ 29.74 સેકન્ડના સમય સાથે પાંચમા ક્રમે રહી હતી.
મોહમ્મદ અનસ યાહિયા, મોહમ્મદ અજમલ, આરોકિયા રાજીવ અને અમોજ જેકોબની મેન્સ ટીમે ત્રણ મિનિટ 3.23 સેકન્ડના સમય સાથે પોતાની હિટમાં અમેરિકા (બે મિનિટ 59.95 સેકન્ડ) બાદ બીજું સ્થાન હાંસલ કર્યું હતું. બીજા તબક્કાની ત્રણેય હિટમાં ટોચના બે સ્થાન હાંસલ કરનાર ટીમો પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થાય છે










