- મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધોરણ 12નું પેપર લીક થયું
- પેપર લીકની ઘટના બુલઢાણા સિંદખેડારાજા વિસ્તારમાં બની
- વિપક્ષના નેતા અજિત પવારે વિધાનસભામાં પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધોરણ 12નું પેપર લીક થયું છે. આ પેપર ગઈકાલે (3 માર્ચ શુક્રવાર) સવારે 11 વાગ્યાથી ગણિતનું પેપર હતું. સવારે 10.30 વાગ્યાથી વોટ્સએપ પર ગણિતનું પેપર ફરવાનું શરૂ થયું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પેપર લીકની આ ઘટના બુલઢાના સિંદખેડારાજા વિસ્તારમાં બની હતી. અહીં પરીક્ષા પહેલા સવારથી જ પેપર વાયરલ થયું હતું. જોકે, બોર્ડ દ્વારા પેપર લીકના સમાચારને સમર્થન આપવામાં આવ્યું નથી. આ પેપર કેવી રીતે લીક થયું તેની પાછળ કોણ કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
સિંદખેડારાજામાં 4 પરીક્ષા કેન્દ્રો છે. આ પૈકીના એક સેન્ટરમાંથી પેપર લીકના સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રના વિપક્ષી નેતા અજિત પવારે આજે વિધાનસભામાં આ મામલો ઉઠાવ્યો હતો અને સરકારને આ અંગે સવાલ કર્યા હતા.
વિપક્ષના નેતા અજિત પવારે વિધાનસભામાં પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો
અજિત પવારે કહ્યું હતું કે, પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે સવારે 10.30 વાગ્યે પેપર લીક થયું હતું. સરકાર શું કરી રહી છે? સરકારને સવાલ કરો તો કહેવામાં આવે છે કે, દાદા દરેક વાત પર બોલે છે. વિપક્ષી નેતાને જવાબ આપતા સરકાર તરફથી તરફથી વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે જણાવ્યું હતું કે,આજે સાંજ સુધીમાં આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે. તળિયા સુધી તપાસ કરવામાં આવશે અને જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.
પૂર્વ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે પણ સવાલો ઉઠાવ્યા
પૂર્વ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે 12માની પરીક્ષા શરૂ થવાની હતી ત્યારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોવિડના યુગમાં 10 મિનિટ પહેલા પેપર વહેંચવાની પ્રથા આ સમયથી બંધ કરવામાં આવશે તો અડધા કલાક પહેલા પેપર કેવી રીતે લીક થયું? વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે આ સતત ચોથી ઘટના સામે આવી છે. અગાઉ પ્રથમ દિવસે જ અંગ્રેજી, મરાઠી અને હિન્દીના પેપરમાં ભૂલો સામે આવી છે. અંગ્રેજીના પેપરમાં ત્રણ ભૂલો જોવા મળી હતી. વિદ્યાર્થીઓને મરાઠીના પેપરને બદલે અંગ્રેજીના પેપરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવી જ એક ઘટના બીડમાં બની છે. આ બહુ ગંભીર મુદ્દો છે.
અગાઉ પરભણીમાં શિક્ષકે પેપર લીક કર્યું
ગણિતનું પેપર લીક થાય તે પહેલા પરભણી જિલ્લાના સોનપેઠના પરીક્ષા કેન્દ્ર એવા મહાલિંગેશ્વર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકે અંગ્રેજીનું પેપર લીક કર્યું હતું. આ બાબતનો પર્દાફાશ સોનપેઠ પોલીસે જ કર્યો હતો. આ પછી હવે ગણિતનું પેપર લીક થવાના સમાચાર સામે આવ્યા છે.