કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ +1,376.20 પોઇન્ટના વધારા સાથે 75,223.35 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી +443.70 પોઇન્ટના વધારા સાથે 22,842.85  અંક પર બંધ થયો. 

તેજી સાથે ખૂલ્યુ માર્કેટ 

11 એપ્રિલે ભારતીય શેરબજાર મજબૂત તેજી સાથે ખુલ્યું, જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પસંદગીના દેશો પર 90  દિવસના 'ટેરિફ વિરામ'ના સકારાત્મક સંકેત મળ્યા. ટેરિફ પ્રતિબંધથી રાહત અનુભવતા ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો જેવા મેટલ શેરોએ બજારને વેગ આપ્યો. આના કારણે, રોકાણકારોની સંપત્તિમાં થોડીવારમાં 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો.

આજે એટલે કે શુક્રવારે ૩૦ શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 84,835 પર ખુલ્યો, જેમાં લગભગ 1000 પોઈન્ટનો ઉછાળો આવ્યો. જ્યારે બુધવારે તે 73,847 પર બંધ થયો હતો. બપોરે 1:50 વાગ્યે, સેન્સેક્સ 1400.87 પોઈન્ટ અથવા 1.90% વધીને 75,248.02 પર હતો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી-50 પણ 300 થી વધુ પોઈન્ટના વધારા સાથે 22,695.40 પર ખુલ્યો. ખુલતાની સાથે જ તે 22,783.05 પોઈન્ટ પર પહોંચી ગયો. બપોરે 1.50 વાગ્યે, તે 462.95  પોઈન્ટ અથવા ૨.૦૭% વધીને 22,862  પર બંધ થયો.

ટ્રમ્પે 90 દિવસ માટે ટેરિફ પર રોક લગાવી

ટ્રમ્પે 9 એપ્રિલે એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે અમેરિકા આગામી ત્રણ મહિના સુધી મોટાભાગના દેશોથી થતી આયાત પર નવા ટેરિફ લાદશે નહીં. આ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં આશાનું વાતાવરણ છે. આનાથી ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ તબક્કાને વહેલા અંતિમ સ્વરૂપ આપવાનો માર્ગ મોકળો થઈ શકે છે.

જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે ચીનથી થતી આયાત પર કુલ ડ્યુટી વધારીને 145% કરી દીધી છે. જોકે, કોપર, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા ઉત્પાદનો જેવી કેટલીક શ્રેણીઓને આ વધેલી ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આના કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા છે અને એશિયા-પેસિફિકના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુરુવારે જોરદાર તેજી બાદ આજે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 4.55% ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.66 % અને ઓસ્ટ્રેલિયાના એસ એન્ડ પી/એએસએક્સ ૨૦૦માં 1.93 %નો ઘટાડો જોવા મળ્યો.