• સકલ હિન્દુ મોરચાનું નાસિકમાં બંધનું એલાન
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં રેલી
  • આ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો વકર્યો

મહારાષ્ટ્રના નાસિકમાં સકલ હિન્દુ મોરચાએ શુક્રવારે નાસિક બંધનું આહ્વાન કર્યું હતું. આ જાહેરાત બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં કરવામાં આવી હતી. પરંતુ ભદ્રકાલી વિસ્તારના કેટલાક દુકાનદારોએ આ અપીલનું પાલન ન કરતાં આ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન એક જૂથે અન્ય જૂથો પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી.

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશની સાથે ભારતમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. જેને લઈને નાસિકમાં સકલ હિન્દુ મોરચાએ શુક્રવારે નાસિક બંધનું એલાન આપ્યું હતું.

જુથ અથડામણને લઇ DCPએ શું કહ્યું?

DCP કરણ ચૌહાણે જણાવ્યું હતું કે નાસિકમાં આજે બે જૂથો સામસામે આવી જવાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ પોલીસે સમયસર ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં સમગ્ર હિન્દુ સમુદાયે આજે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી. પરંતુ જ્યારે રેલી શહેરના જુના વિસ્તારમાં પહોંચી ત્યારે અન્ય સમાજના લોકો સાથે તેમનો ઝઘડો થયો હતો. જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બે જૂથ સામસામે આવી જતાં પથ્થરમારો પણ થયો હતો. પરંતુ જાનમાલનું નુકસાન થયું ન હતું. પોલીસે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે બેલે- મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત અને યોગ ગુરુ બાબા રામદેવે પણ બાંગ્લાદેશી હિન્દુઓના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે. આરએસએસ ચીફ મોહન ભાગવતે ગુરુવારે કહ્યું, 'ત્યાં (બાંગ્લાદેશ) રહેતા હિંદુઓ કોઈ કારણ વગર હિંસાનો સામનો કરી રહ્યા છે. તેઓને અન્યાય અને અત્યાચારનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા દેશની છે. સંઘ પ્રમુખે નાગપુરના મહલ વિસ્તારમાં સ્વતંત્રતા દિવસના અવસર પર આ વાત કહી.

હસીનાના ગયા પછી હુમલા વધી ગયા

તમને જણાવી દઈએ કે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી સમુદાય પર લક્ષિત હુમલાઓ થઈ રહ્યા છે. બાંગ્લાદેશ નેશનલ હિંદુ ગ્રાન્ડ એલાયન્સે આરોપ લગાવ્યો છે કે હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદથી લઘુમતી સમુદાયને 48 જિલ્લામાં 278 સ્થળોએ હુમલાઓ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે.

48 જિલ્લામાં 278 સ્થળોએ હિંદુઓ અને લઘુમતીઓ પર હુમલા

તે જ સમયે, બાંગ્લાદેશના નેશનલ હિંદુ ગ્રાન્ડ એલાયન્સનો દાવો છે કે શેખ હસીનાના રાજીનામાથી, 48 જિલ્લામાં 278 સ્થળોએ હિંદુઓ અને લઘુમતીઓ પર હુમલાના અહેવાલો છે. એલાયન્સે તેને 'હિંદુ ધર્મ પર હુમલો' ગણાવ્યો છે, ઘણા લોકો એવી દલીલ કરે છે કે જેઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે અથવા માર્યા ગયા છે તેઓ કાં તો શેખ હસીનાની પાર્ટી અવામી લીગ સાથે સંકળાયેલા છે અથવા તેઓ પોલીસ સાથે જોડાયેલા છે. જો કે, માર્યા ગયેલા દર પાંચમાંથી ત્રણ હિંદુઓને રાજકારણ કે પોલીસ સાથે કોઈ લેવાદેવા ન હતી.

  • Follow us on: