- જ્યોતિ અને આલોક મૌર્યએ 2010માં લગ્ન કર્યા હતા
- વર્ષ 2015માં જ્યોતિની પીસીએસમાં પસંદગી થઈ હતી
- 2023ની શરુઆતમાં લગ્ન જીવનમાં તિરાડ પડી
બનારસ નિવાસી SDM જ્યોતિ મૌર્ય અને તેમના પતિ સફાઈ કામદાર આલોક મૌર્ય વચ્ચેનો વિવાદ આ દિવસોમાં ચર્ચામાં છે. બંને પતિ-પત્નીએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે. જ્યોતિએ છૂટાછેડા માટે અરજી કરીને આલોક સામે કેસ દાખલ કર્યો છે, જ્યારે આલોકે હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો છે.
SDM જ્યોતિ મૌર્ય...! છેલ્લા કેટલાક દિવસોથી આ નામ સતત ચર્ચામાં છે. વાસ્તવમાં, આ એક પતિ-પત્ની વચ્ચેના જટિલ સંબંધોની વાર્તા છે, જેમાં પત્ની કડવાશ વચ્ચે લાઈફમાં મૂવ ઓન કરવા માંગે છે. લગ્ન, પ્રેમ, નફરત અને વિવાદ વચ્ચે આખરે વર્ષો જૂના સંબંધો હાલ એવા વળાંક પર છે કે પતિ-પત્ની બંને એકબીજા પર આરોપ મૂકી રહ્યા છે. લગ્ન પછી પીસીએસ ઓફિસર જ્યોતિ અને તેના પતિ આલોક વચ્ચે 2016 થી 2022 સુધીના સંબંધો સારા હતા, પરંતુ વર્ષ 2023 શરૂ થતાં જ સંબંધોમાં તિરાડ આવવા લાગી. બંનેએ એકબીજા પર ગંભીર આરોપ લગાવવાનું શરૂ કર્યું અને અંતે તે પોલીસ કેસ બની ગયો.
જ્યોતિએ તેના સાસરે રહીને તેનો અભ્યાસ પૂર્ણ કર્યો
SDM જ્યોતિ મૌર્ય યુપીના બનારસ જિલ્લાના રહેવાસી છે. જ્યોતિ મૌર્યના પિતા મિલ ચલાવે છે. તેનો આખો પરિવાર તેના પર નિર્ભર છે. જ્યોતિ મૌર્યના લગ્ન વર્ષ 2010માં આલોક મૌર્ય સાથે થયા હતા, તે સમયે જ્યોતિ ગ્રેજ્યુએશન કરી રહી હતી. લગ્ન પછી જ્યોતિએ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
કોણ છે આલોક મૌર્ય, જેની સાથે જ્યોતિએ લગ્ન કર્યા
જ્યોતિના પતિ આલોક મૌર્ય પ્રયાગરાજના રહેવાસી છે. તેમના પિતા શિક્ષક હતા, જેઓ કૌશામ્બીમાં પોસ્ટિંગ દરમિયાન નિવૃત્ત થયા હતા, હવે તેઓ પ્રયાગરાજમાં રહે છે. આલોક મૌર્યએ પ્રયાગરાજમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. સ્નાતક થયા પછી, પરીક્ષાની તૈયારી કરી, દરમિયાનમાં પંચાયતી રાજ વિભાગમાં સફાઈ કામદાર તરીકે નોકરી મળી. પોલીસમાં સિલેક્ટ થયો, પણ કોઈ કારણસર જોડાયો નહીં. આલોક પ્રતાપગઢ જિલ્લામાં પંચાયતી રાજ વિભાગમાં કામ કરે છે.
વર્ષ 2015માં જ્યોતિની પીસીએસમાં પસંદગી થઈ
જ્યારે જ્યોતિ મૌર્યએ તેમના સાસરિયાંના ઘરે રહીને તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, ત્યારે તેમના પતિ આલોક મૌર્યએ તેમને UPPCS કોચિંગ માટે પ્રયાગરાજ મોકલ્યા. જ્યોતિ શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર હતી. જ્યોતિએ સખત મહેનત કરી અને તેનું ફળ મળ્યું. વર્ષ 2015માં તેની પસંદગી PCSમાં થઈ. જ્યોતિએ 2015ની PCS પરીક્ષામાં 16મો રેન્ક મેળવ્યો હતો. જ્યારે જ્યોતિની પસંદગી થઈ ત્યારે તેણે તેની સફળતાનો શ્રેય તેના સસરા અને પતિને આપ્યો.
કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી
SDM જ્યોતિ મૌર્ય બરેલીની સેમીખેડી સુગર મિલમાં જીએમ પદ પર છે. તેણે કહ્યું કે મેં છૂટાછેડા માટે અરજી કરી છે. હવે પતિ પાસેથી છૂટાછેડા માંગે છે. કોર્ટનો જે પણ આદેશ હશે તે માન્ય રહેશે. જ્યોતિએ કહ્યું કે, પતિ આલોકે 13 વર્ષ પહેલા ખોટું બોલીને લગ્ન કર્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે આલોક એક અધિકારી છે, પરંતુ હવે ખબર પડી કે તે સફાઈ કામદાર છે.
જ્યાં જ્યોતિ તૈનાત હતી
બનારસની રહેવાસી જ્યોતિ પીસીએસ ઓફિસર બન્યા બાદ કૌશામ્બી, જૌનપુર, પ્રયાગરાજ, પ્રતાપગઢ અને લખનૌમાં પોસ્ટેડ થઈ હતી. હાલમાં તેઓ બરેલીની સુગર મિલમાં જીએમના પદ પર છે. જ્યોતિના લગ્ન પછી બે જોડિયા દીકરીઓનો જન્મ થયો, જેઓ હાલમાં જ્યોતિ સાથે રહે છે.
આલોકે લગાવ્યા આરોપ, અફેરની વાત પણ સામે આવી
જ્યારે સંબંધોમાં તિરાડ પડી ત્યારે જ્યોતિના પતિ આલોક મૌર્યએ તેની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આલોકે કહ્યું કે જ્યોતિ ઓફિસર બન્યા બાદ PPS ઓફિસર મનીષ દુબે સાથે તેની મિત્રતા થઈ ગઈ. ગાઝિયાબાદમાં તૈનાત હોમગાર્ડ કમાન્ડેડ મનીષ દુબે PPS અધિકારી છે. તે પરિણીત પણ છે. આલોકે કહ્યું કે મનીષ જ્યોતિ સાથે લગ્ન કરવા માંગે છે. માટે જ જ્યોતિ અને મનીષે મળીને મને રસ્તામાંથી બહાર કાઢવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો. આ દરમિયાન જ્યોતિની વોટ્સએપ ચેટિંગ સામે આવી, જેના કારણે આ વાત સામે આવી. જ્યોતિ અને મનીષ વચ્ચેની વાતચીતની વોટ્સએપ ચેટ વાયરલ થઈ હતી.
મામલો 25 એપ્રિલે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો
આલોક મૌર્ય 25 એપ્રિલે આ મામલે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં તૈનાત ઇન્સ્પેક્ટર રાજેશ કુમાર મૌર્યને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ રિપોર્ટ નોંધવામાં આવ્યો ન હતો. આલોકે ફરિયાદ પત્રમાં જણાવ્યું હતું કે પત્ની જ્યોતિ લાંબા સમયથી વાત કરતી નથી. ઘરમાં અનેક ઝઘડા થયા છે. આ પછી જ્યોતિ મૌર્ય 7મી મેના રોજ આલોક સામે દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરવા ગઈ હતી. પોલીસે તેનો કેસ નોંધ્યો હતો.
ડાયરીનો ફોટો થયો વાયરલ, ટેક્સ વસૂલાતનો આરોપ
આલોક મૌર્યએ ડાયરીનો ફોટો વાયરલ કર્યો હતો. આલોકે કહ્યું કે આ ડાયરીમાં તે બધું છે જેમાંથી જ્યોતિ મૌર્ય પૈસા પડાવતા હતા. કઇ વ્યક્તિ પાસેથી કેટલા લાખ લીધા? કોની પાસેથી કેટલું લેવાનું છે તેનો હિસાબ ડાયરીમાં છે. ડાયરીની તસવીર વાયરલ થયા બાદ આઝાદ અધિકાર સેનાએ કથિત ખંડણીની યાદીની તપાસની માંગ કરી હતી. આલોકે કહ્યું હતું કે આ રિકવરી લિસ્ટમાં L એટલે લાખ અને T એટલે હજારનો ઉલ્લેખ કરાયો છે. આ અંગે તપાસ થશે તો તમામ બાબતો ખુલશે.
વેડિંગ કાર્ડ સામે આવ્યું
આલોક મૌર્ય અને જ્યોતિ મૌર્ય વચ્ચેના વિવાદમાં લગ્નનું કાર્ડ પણ વાયરલ થયું હતું. જ્યોતિ આ કાર્ડ મીડિયા સામે લાવી હતી. જેમાં આલોકના નામની આગળ જિલ્લા પંચાયત અધિકારી લખવામાં આવ્યું છે. જ્યોતિના પતિ આલોકે કહ્યું કે મને ફસાવવા માટે આ કાર્ડ છપાવવામાં આવ્યું હતું. જ્યારે લગ્ન થયાં ત્યારે જ્યોતિ તે સમયે શિક્ષિકા નહોતી, જ્યારે કાર્ડમાં તેના નામની આગળ શિક્ષક લખેલું છે. આ સંપૂર્ણપણે ખોટું છે.