સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ વૃદ્ધોને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જે વૃદ્ધોને ખૂબ જ ફાયદાકારક છે, અને આ નિર્ણય પછી વૃદ્ધ માતા પિતા માટે એક આશાનું કિરણ જાગ્યું છે. જેનાથી બાળકો તેમના વૃદ્ધ માતાપિતાની સંભાળ લેશે અને તેમની સાથે સારો વ્યવહાર કરશે .


ભારતમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં માતા-પિતા પોતાના બાળકોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ બાળકોનો તેમના માતા-પિતા સાથે વ્યવહાર સારો કરતા હોતા નથી. તેઓ તેમની કાળજી લેતા નથી અને તેમને એકલા છોડી દે છે. જો કે કોર્ટના આ નિર્ણય બાદ હવે તેઓ આમ કરી શકતા નથી.

સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો?

કોર્ટે ચુકાદો આપ્યો છે કે હવે બાળકોને માતા-પિતાની મિલકત અને અન્ય ભેટો(ગિફ્ટ ડીડ) આપ્યા બાદ તેમાં એક શરત સામેલ કરવામાં આવશે કે તેઓ માતા-પિતાનું ધ્યાન રાખે, તેમની જરૂરિયાતો પૂરી કરે અને જો બાળકો આ વસ્તુઓ ન કરે અને માતા -જો પિતાને એકલા છોડી દેવામાં આવે તો તેની તમામ મિલકત અને અન્ય ભેટો તેની પાસેથી પાછી લેવામાં આવશે.

વરિષ્ઠ નાગરિકોના હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કોર્ટે આ નિર્ણય આગળ ધપાવ્યો હતો. ઘણા માતા-પિતા મિલકત અને ભેટો પ્રાપ્ત કર્યા પછી તેમના બાળકો દ્વારા અવગણના અનુભવે છે અને તેઓને પોતાની જાતે જીવન જીવવા તરછોડી દેવાય છે. જે ઉંમરે માતા પિતાનો ટેકો બની સહારો આપવાનો હોય ત્યારે બધી મિલકત લઈ તરછોડી દેવાય તે અત્યંત દયનીય હાલતની સાથે શરમજનક કહેવાય.

કયા કાયદા હેઠળ ગિફ્ટ ડીડ રદ્દ થઈ જશે?

સુપ્રીમ કોર્ટે આ મામલામાં મહત્વનો નિર્ણય આપતાં કહ્યું કે જો બાળકો માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય છે, તો માતા-પિતા દ્વારા આપવામાં આવેલી મિલકત અને ભેટો વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ કાયદાની જોગવાઈઓને આધીન રહેશે. વરિષ્ઠ નાગરિક ધારા હેઠળ રદ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે, આ અધિનિયમની કલમ 23 મુજબ મિલકતના ટ્રાન્સફરને રદબાતલ જાહેર કરવામાં આવશે. આવા કિસ્સામાં, મિલકતનું ટ્રાન્સફર છેતરપિંડી દ્વારા અથવા બળજબરી અથવા અયોગ્ય પ્રભાવ હેઠળ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કાયદાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાનો હોય ત્યારે માટે ઉદાર વલણ અપનાવવાની જરૂર હતી, ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે કાયદા અંગે 'કડક વલણ' અપનાવ્યું હતું. જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે કહ્યું કે આ કાયદો સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના અંત પછી એકલા પડી ગયેલા વૃદ્ધોને મદદ કરવા માટે લાભદાયી કાયદો છે, આ કાયદો તેમના અધિકારોની સુરક્ષા માટે વધુ સારો સાબિત થશે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે નિર્ણયને પણ ફગાવી દીધો હતો.

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આ કેસમાં શું કહ્યું હતું?

આ જ કેસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું હતું કે ગિફ્ટ ડીડમાં એવી કલમ હોવી જોઈએ જે બાળકોને માતા-પિતાની સંભાળ રાખવા માટે બંધનકર્તા હોય, પરંતુ જો બાળકો માતા-પિતાની સંભાળ ન રાખે તો મિલકત પાછી લઈ શકાય નહીં. જો તે મિલકત અથવા ભેટ આપતી વખતે પહેલેથી જ ડીડમાં ઉલ્લેખિત હોય તો જ આ કરી શકાય છે. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને ફગાવી દીધો છે.


  • Follow us on: