દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરમાંથી મળેલી બળેલી રોકડના મામલે આરટીઆઈ અરજદારે માગેલી માહિતીનો ઇનકાર કરવામાં આવ્યો છે. તપાસ સમિતિનો અહેવાલ અને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને મોકલવામાં આવેલા મુખ્ય ન્યાયાધીશના પત્ર વિશેની માહિતી માગવામાં આવી હતી.
વર્માના ઘરમાંથી મળેલી બળેલી રોકડની માહિતી એડવોકેટ અમૃતપાલસિંહ ખાલસાએ આરટીઆઇ દ્વારા માંગી હતી. તેના જવાબમાં સુપ્રીમના અધિકારીએ માહિતી અધિકાર કાયદાની કલમો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને આ રિપોર્ટ જાહેર કરી શકાય એમ નથી તેમ કહ્યું હતું.
વર્માના ઘરમાં 14 માર્ચે આગ લાગી હતી
દિલ્હીના જજ યશવંત વર્માના ઘરમાં 14 માર્ચે આગ લાગી હતી. ત્યારબદની તપાસમાં પોલીસ અને ફાયર ફાઇટર્સને આ જગ્યાએથી મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. આ પ્રકરણમાં 22 માર્ચે, સુપ્રીમના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ત્રણ ન્યાયાધીશની તપાસ સમિતિની રચના કરી. સમિતિએ અહેવાલ રજૂ કર્યા બાદ 8 મેના મુખ્ય ન્યાયાધીશે તેને આગળની કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલ્યો હતો.
સમિતિનો અહેવાલ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સમક્ષ છે
આરટીઆઇ અરજદારને જવાબમાં RTI કાયદાની કલમ 8(1)(e) અને 11(1)નો ઉલ્લેખ કરાયો છે. 'સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સુભાષ ચંદ્ર અગ્રવાલ' કેસના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં, 13 નવેમ્બર 2019 ના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, RTI કાયદાની કલમ 8 હેઠળ, કોઈની ગુપ્ત માહિતી ફક્ત ત્યારે જ જાહેર કરવામાં આવશે જો જાહેર હિતમાં આવું કરવું જરૂરી હોય. સમિતિનો અહેવાલ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલવામાં આવ્યો છે અને તેમણે તેના પર નિર્ણય આવવાનો હોવાથી મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય તેને જાહેર કરી શકતું નથી.