સુપ્રીમ કોર્ટમાં બુધવારે (16 એપ્રિલ)ના રોજ વક્ફ સુધારા અધિનિયમ, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. આ અરજીઓમાં વક્ફ સુધારા અધિનિયમ 2025ની ઘણી કલમોને બંધારણ વિરોધી ગણાવવામાં આવી છે અને તેને રદ કરવાની માગ કરવામાં આવી છે. આજે બીજા દિવસે વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરતા આગામી સુનાવણી હવે 5 મેના રોજ થશે.
આગામી સુનાવણી 5 મેના રોજ
વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ આપતા 7 દિવસમાં કેન્દ્ર સરકારે જવાબ આપવો પડશે. કોર્ટના વચગાળાના આદેશને પગલે રજિસ્ટર્ડ સંપત્તિને ડિનોટિફાઇ કરવાની સરકારની કામગીરી પર રોક લગાવી છે તેમજ નવી નિયુક્તિઓ પર પણ રોક લગાવી. કેન્દ્ર જવાબ ન આપે ત્યાં સુધી વકફ મિલકતની સ્થિતિ બદલાશે નહીં. કોર્ટ દ્વારા વકફ જાહેર કરાયેલી મિલકતને ડિનોટિફાઇડ કરવામાં આવશે નહીં. વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂક થશે નહીં. વકફ કાયદાને લઈને વધુ સુનાવણી હવે આગામી મે મહિનામાં થશે.
વકફ બિલ પર સુપ્રીમમાં સુનાવણી
વકફ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થયા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આ કાયદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે વકફ એક્ટ પર સુનાવણી થઈ. આ મામલે કોર્ટમાં બપોરે 2 વાગ્યે સુનાવણી શરૂ થઈ હતી. આ પહેલા બુધવારે પણ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સમય દરમિયાન, મુસ્લિમ પક્ષ અને કેન્દ્ર સરકારે પોતપોતાના દલીલો રજૂ કરી. કેન્દ્ર સરકારે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વચગાળાનો આદેશ આપતા પહેલા તેમની દલીલો સાંભળવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે વક્ફ કાયદાની ત્રણ જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કલેક્ટરની સત્તાઓ અંગે પણ વચગાળાનો આદેશ આવી શકે છે. વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોના સમાવેશ અંગે પણ કોર્ટ વચગાળાનો આદેશ આપે તેવી શકયતા છે.
વક્ફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ અરજી
જણાવી દઈએ કે નવા વક્ફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાંથી સુપ્રીમ કોર્ટે વકફ સંબંધિત કુલ 10 અરજીઓને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. કોર્ટમાં વક્ફ કાયદાની માન્યતાને પડકારવામાં આવી છે. આ અરજીઓમાં વક્ફ સુધારા અધિનિયમ 2025ની ઘણી કલમોને બંધારણ વિરોધી ગણાવવામાં આવી છે અને તેને રદ કરવાની માગ કરવામાં આવી છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદા હેઠળ, વકફ મિલકતોનું સંચાલન અસામાન્ય રીતે કરવામાં આવશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આજે વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરતા આગામી સુનાવણી 5મેના રોજ થશે.