• ભ્રામક જાહેરાતો મામલે સંભવિત કાર્યવાહી માટે તૈયાર રહેવા ચેતવણી

  • વધુ સુનાવણી 16 એપ્રિલ સુધી મુલતવી, કોર્ટે કહ્યું- અમે ઉદાર બનવા નથી માગતા
  • પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર બાલકૃષ્ણની એફિડેવિટ્સ અસ્વીકાર

ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા મામલે બિનશરતી માફી માગતી યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર બાલકૃષ્ણની એફિડેવિટ્સ સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટે બુધવારે ઇનકાર કરી દીધો હતો અને બંનેને સંભવિત કાર્યવાહી માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું કે તમે ખોટું કરતા પકડાઇ ગયા પછી માફી માગી રહ્યા છો. અમે આ કેસમાં બહુ ઉદાર બનવા નથી માગતા. કોર્ટે આ મામલે નિષ્ક્રિયતા બદલ ઉત્તરાખંડની સ્ટેટ લાઇસન્સિંગ ઓથોરિટીનો પણ ઉધડો લેતાં જણાવ્યું હતું કે અમે આ બાબતને ગંભીરતાથી લઇશું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચે સ્ટેટ લાઇસન્સિંગ ઓથોરિટીને ત્યાં સુધી કહ્યું કે અમે તમને ઉઘાડા પાડીશું. સ્ટેટ લાઇસન્સિંગ ઓથોરિટીએ ફાઈલો આગળ ધપાવવા સિવાય કંઇ કર્યું જ નથી અને ચાર-પાંચ વર્ષથી આ મુદ્દા પર તે ગાઢ નિદ્રામાં હતી. સંબંધિત અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઇએ. કોર્ટે ઓથોરિટી વતી હાજર અધિકારીને નિષ્ક્રિયતાના કારણો સમજાવવા કહ્યું હતું. કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણની એફિડેવિટ્સ ફગાવતાં એવું અવલોકન કર્યું હતું કે રામદેવ અને બાલકૃષ્ણને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી અને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવા આદેશ કરાયો ત્યારે તેમણે વ્યક્તિગત હાજરી જરૂરી હતી તેવી સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, જે સૌથી અસ્વીકાર્ય બાબત છે. બેન્ચે આદેશ સંભળાવતા કહ્યું કે આ મામલાના સમગ્ર ઇતિહાસ અને પ્રતિવાદીઓનું ભૂતકાળનું આચરણ ધ્યાનમાં લેતાં અમે તેમના દ્વારા દાખલ કરાયેલી છેલ્લી એફિડેવિટ્સ સ્વીકારવા અંગે અમારો વિરોધ વ્યક્ત કર્યો છે. રામદેવ અને બાલકૃષ્ણ વતી હાજર રહેલા સિનિયર લૉયર મુકુલ રોહતગીને બેન્ચે જણાવ્યું કે તમારા અસીલ બાંયધરી આપ્યાના બીજા જ દિવસે ઘણું બધું બોલ્યા હતા.

  • Follow us on: