• સિનિયર સિવિલ જજની કેડરમાંથી ડિસ્ટ્રિક્ટ જજની બઢતીમાં 65 ટકા ક્વોટા

  • 68 જ્યુડિશિયલ ઓફિસર્સને ડિસ્ટ્રિક્ટ જજની બઢતીને પડકારાયેલી
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપનાવાયેલી પ્રમોશન પ્રક્રિયા અને નીતિમાં અમને કંઇ ખોટુ જણાતું નથી:SC

 ગુજરાત રાજયના ન્યાયતંત્રમાં ડિસ્ટ્રિક્ટ જજિસને પ્રમોશન માટેની ગુજરાત હાઇકોર્ટની નીતિને સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે બહાલી આપી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેરિટ કમ સિનિયોરિટીના આધાર પર સિનિયર સિવિલ જજની કેડરમાંથી ડિસ્ટ્રિક્ટ જજની કેડરમાં બઢતી માટે 65 ટકા કવોટાની જોગવાઇની નીતિ લાગુ કરાઇ હતી, જેને સુપ્રીમ કોર્ટના ચીફ્ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા એમ ત્રણ જજોની બેંચે યોગ્ય અને વાજબી ગણાવી હતી અને તેને મંજૂરી આપી હતી. આ સાથે જ સુપ્રીમકોર્ટે હાઇકોર્ટના નિર્ણય અને 68 જયુડિશિયલ ઓફ્સિર્સને ડિસ્ટ્રિક્ટ જજિસ તરીકે બઢતી આપવાના નિર્ણય પર અગાઉ જારી કરેલો સ્ટે પણ ઉઠાવી લીધો હતો. સુપ્રીમકોર્ટે સાફ્ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપનાવાયેલી પ્રમોશન પ્રક્રિયા અને નીતિમાં અમને કંઇ ખોટુ જણાતું નથી. આ સંજોગોમાં તમામ રિટ અરજીઓ નિષ્ફ્ળ જાય છે અને તેથી રદ કરવામાં આવે છે.

સિનિયર સિવિલ જજ કેડરના રાજીવકુમાર મહેતા અને સચીન પ્રતાપરાય મહેતા દ્વારા ગુજરાત હાઇકોર્ટની પ્રમોશન અંગેની નીતિ અને ત્યારબાદ રાજય સરકારના 68 ન્યાયિક અધિકારીને જિલ્લા ન્યાયાધીશ તરીકે બઢતી આપવાના નિર્ણયને પડકારાયો હતો. અરજદાર પક્ષ તરફ્થી દલીલ કરાઇ હતી કે, આ વિવાદીત પ્રમોશન સિનિયોરિટી કમ મેરિટના આધાર પર અપાયા છે, પંરતુ વાસ્તવમાં તે મેરિટ કમ સિનિયોરીટીના આધાર પર અપાવા જોઇતા હતા. ગુજરાત હાઇકોર્ટ તરફ્થી દલીલ હતી કે, હાઇકોર્ટ દ્વારા પ્રમોશન માટેની સૂચના જારી કરાય ત્યારે જ મેરિટ કમ સિનિયોરીટીનો સિધ્ધાંત લાગુ થાય છે જેમાં વિચારણાના ક્ષેત્રમાં ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. તેથી એક વાર ઉમેદવાર યોગ્યતાની કસોટી પાસ કરી લે ને લઘુત્તમ માર્ક્સ મેળવી લે તે રીતે મેરિટના પાસાને લાયક ઠરે ત્યારબાદ પસંદગીની યાદી સિનિયોરીટીના આધારે તૈયાર કરવામાં આવે છે.


  • Follow us on: