- તપાસ એજન્સીના અધિકારીએ શનિવારે 23 સપ્ટેમ્બરના રોજ જાણકારી આપી
- પ્રવક્તાએ કહ્યું કે તે ગેરકાયદે હથિયાર, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી એકત્ર કરી રહ્યો હતો
- આરોપીને પૂછપરછ માટે નવી દિલ્હી લાવવામાં આવ્યો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) દ્વારા મણિપુરના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીના અધિકારીએ શનિવારે 23 સપ્ટેમ્બરના રોજ આ જાણકારી આપી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે ઝડપાયેલો શંકાસ્પદ આતંકવાદી મ્યાંમાર ખાતેના ત્રાસવાદી ગ્રૂપનો સભ્ય છે. તે દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે મણિપુરમાં થઇ રહેલી જાતીય હિંસાનો ઉપયોગ કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. એનઆઇએના પ્રવક્તાએ જણાવ્યું કે આરોપીની ઓળખ મોઇરાંગથેમ આનંદ સિંહના રૂપમાં થઇ છે. તેને પૂછપરછ માટે નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો. એનઆઇએ દ્વારા મણિપુર પોલીસના લૂંટેલા હથિયાર રાખવાના આરોપમાં જે પાંચ લોકોની ધરપકડ થઇ છે તેમાં આ આતંકવાદીનો સમાવેશ થાય છે. એનઆઇએ દિલ્હીએ પોતે જ તેની પ્રવૃત્તિની નોંધ લઇને 19 જુલાઇના રોજ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તપાસમાં એનઆઇએને ધ્યાને આવ્યું હતું કે પોતાના ષડયંત્રને આગળ વધારવા માટે સુરક્ષા દળો પર હુમલા કરવા માટે તે પોતાની તાકાત વધારી રહ્યો છે. તે સમર્થકોની ભરતી કરી રહ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે તે ગેરકાયદે હથિયાર, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી એકત્ર કરી રહ્યો હતો.










