દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં જેલમુક્ત છે. તેઓએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. જે બાદ આતિશી માર્લેના દિલ્હીના સીએમ બન્યા છે. જે બાદ દિલ્હી વિધાનસભામાં ગઇકાલે અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે બિભવ કુમારનું નામ લઇને ખોટા આરોપોમાં જેલમાં મોકલ્યા હોવાનું નિવેદન આપતા સ્વાતિ માલિવાલ આકરા પાણીએ જોવા મળ્યા હતા. સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલનું સંબોધન ટ્વિટ કરીને આકરી ટિપ્પણી કરી હતી.

સ્વાતિ માલિવાલે કર્યા પ્રહાર 
સ્વાતિ માલિવાલે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી, તમે બેશરમીની તમામ હદો વટાવી દીધી છે. જે ગુંડાએ તમારા નિવાસ સ્થાનમાં તમારી હાજરીમાં મારી, જ્યાં સુધી તે જેલમાં હતો ત્યાં સુધી તમે દેશના મોંઘા વકીલોની ફોજ તેને બચાવવા ઉતારી દીધી. મારા વિરુદ્ધ એકબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરાવી. આજે જે શરતી જામીન પર બહાર છે. તો તેને પાર્ટીનો મોટો નેતા કહી રહ્યા છો અને ફેક કેસમાં જેલમાં નાંખ્યો તેમ કહી રહ્યા છો ? આ મામલે તો સુપ્રિમ કોર્ટે પણ કહી દીધુ કે આવા ગુંડાઓને કોણ પોતાના નિવાસ સ્થાને રાખે. આ લોકોના આવા નિવેદનથી બિભવ જેવા ગુંડાઓનું મનોબળ તો વધવાનું જ છે. તેઓ ક્લિયર મેસેજ આપી રહ્યા છે કે બીજી વખત પણ મારપીટ કરશો તો અમે બચાવી લઇશું

ઘમંડ યોગ્ય નથી
AAP સાંસદે આગળ લખ્યું દરેક વ્યક્તિ જે તમારા દરેક ખોટા કામમાં સહયોગી છે તે મહાન નેતા નથી. “વાહ સર, વાહ સર” કહેનારાને નજીક રાખવાનો જુસ્સો છે, તેથી દુનિયા ધૂંધળી દેખાવા લાગી છે. દર બીજા દિવસે તમે મર્યાદા પુરુષોત્તમ રામ સાથે તમારી સરખામણી કરો છો. આટલો ઘમંડ યોગ્ય નથી, જે પોતાની પાર્ટીની મહિલા સાંસદ માટે સ્ટેન્ડ નથી લઈ શકતો તે દિલ્હીની મહિલાઓ માટે કેવી રીતે સ્ટેન્ડ લેશે ?

અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં શું કહ્યું?
મહત્વનું છે કે ગુરુવારે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું હતું કે મારી સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ, બિભવ કુમારને ખોટા કેસ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. પાંચ મોટા નેતાઓને જેલમાં ધકેલી દીધા પછી પણ અમારો પક્ષ તૂટ્યો નથી, તે મજબૂત છે.
  • Follow us on: