• જુદાજુદા શહેરોમાંથી 12 શકમંદ વ્યક્તિઓની ધરપકડ કરાઈ

  • પોલીસે 300 કરોડની કિંમતનું મેફેડ્રોન જપ્ત કર્યું
  • મેફેડ્રોન ડ્રગ્સનો આટલો જંગી જથ્થો પહેલી વખત નથી ઝડપાયો

મુંબઈ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવતા લોકોનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. પોલીસે સિન્ડિકેટનાં 12 શખ્સોની જુદાજુદા શહેરમાંથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 300 કરોડની કિંમતનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે બાતમીને આધારે નાસિક જિલ્લાનાં શિંદે ગામ ખાતે MIDCમાં આવેલા કારખાનામાં દરોડા પાડયા હતા અને રૂ. 300.26 કરોડનું 151.305 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. સાકીનાકા પોલીસ દ્વારા આ ડ્રગ્સ કૌભાંડ ચલાવતા 12 લોકોની સિન્ડિકેટને પકડી પાડવામાં આવી હતી અને તેમની મુંબઈ તેમજ તેલંગણાનાં હૈદરાબાદ અને નાસિક ખાતેથી ધરપકડ કરાઈ હતી. મેફેડ્રોન એ સિન્થેટિક સ્ટીમ્યુલન્ટ ડ્રગ છે જે મિયાંઉ.... મિયાંઉ તેમજ વ્હાઈટ મેજિક અને બબલ તથા એમ- કેટ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.

અગાઉ પણ મુંબઈમાંથી રેકેટ ઝડપાયું હતું

મેફેડ્રોન ડ્રગ્સનો આટલો જંગી જથ્થો પહેલી વખત નથી ઝડપાયો. આ અગાઉ મે મહિનામાં મુંબઈમાંથી મેફેડ્રોન ડ્રગ્સની ગેરકાયદે ખરીદ વેચાણ કરતી સિન્ડિકેટ ઝડપાઈ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા થાણે જિલ્લાનાં ભિવંડી ખાતેથી રૂ. 4. 5 કરોડનું મેફેડ્રોન પકડાયું હતું. કેટલાક લોકો ઈન્ટરસ્ટેટ ડ્રગ્સ રેકેટ ચલાવતા ઝડપાયા હતા. આ સંદર્ભમાં 3 સપ્લાયર્સની ધરપકડ કરાઈ હતી તેમની પાસેથી રૂ. 7.8 લાખનું સોનું અને રૂ. 36 લાખની રોકડ ઝડપાઈ હતી. બીજા એક રેકેટમાં બેગ્લુરુ પોલીસે 14 ડ્રગ્સ પેડલર્સને પકડયા હતા જેમાં 3 વિદેશી સપ્લાયર્સ હતા. તેમની પાસેથી રૂ. 7.83 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.


  • Follow us on: