2008ના મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ભારત પ્રત્યાર્પણ રોકવાની તહવ્વુર રાણાની અરજી ફગાવી દેવામાં આવી છે. ન્યાયાધીશ એલેના કાગને તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને રોકવા માટેની અરજી ફગાવી દીધી. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી.


શું કહ્યુ રાણાએ અરજીમાં ? 

મહત્વનું છે કે તહવ્વુર રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં.

રાણાએ અમેરિકી કોર્ટ સમક્ષ પોતાના અરજીમાં કહ્યું હતું કે પાકિસ્તાની મૂળના મુસ્લિમ હોવાને કારણે, તેમને ભારતમાં ખૂબ હેરાન કરવામાં આવશે. વધુમાં કહ્યું કે તે ઘણી બીમારીઓથી પીડાઇ રહ્યો છે. પાર્કિસન્સની બીમારીથી પણ પીડાઇ રહ્યો છે. એવી જગ્યા ન મોકલવામાં આવે કે જ્યાં રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે તેને ટાર્ગેટ બનાવાય.

કોણ છે તહવ્વુર રાણા

તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કર્યું. પરંતુ તેહવુર રાણાએ આ કામ ચાલુ રાખ્યુ નહી. તેણે નોકરી છોડી દીધી. ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડિયન નાગરિક છે. પરંતુ તાજેતરમાં જ તે શિકાગોનો રહેવાસી હતો, જ્યાં તેનો બિઝનેસ છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર તેણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઇંગ્લેન્ડમાં પ્રવાસ કર્યો છે. ત્યાં રહ્યો પણ છે. લગભગ 7 ભાષાઓ બોલી શકે છે. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે 2006 થી નવેમ્બર 2008 સુધી, તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન, તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ એ ઇસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવીને તેને અંજામ આપવામાં મદદ કરી હતી. આ કેસમાં આતંકવાદી હેડલી સરકારી સાક્ષી બન્યો છે.


  • Follow us on: